અમદાવાદમાં માજી સૈનિકો ઉતર્યા રસ્તા પર, ટ્રાફિક જામ
પડતર માંગણીઓ માટે આંદોલન, 500ની અટકાયત
ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને પગુજરાત માજી સૈનિક સંગઠનથ દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું છે, જેમાં રેલી પહેલાં માજી સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. 500થી વધુ માજી સૈનિકોની અટકાયત કરાઈ છે.
DySPએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી. ત્યાર બાદ બપોરે 1000થી 1500 જેટલા પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજના રસ્તા રોકી લીધા હતા. એક્સ આર્મીમેનના આંદોલનના પગલે અમદાવાદ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ અને શાહીબાગ તરફ બંને બાજુ બે બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિકજામ થયો છે. 1000થી 1500 જેટલા પૂર્વ આર્મી જવાનોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકી લીધા હતા. માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે, અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે હવે એક મુદ્દો નહીં અમારા જેટલા પણ પેન્ડિંગ મુદ્દા(માંગણીઓ) છે એ બધાને લઈને અમે આંદોલન કરીશું.