3 લાખથી વધુ મતદારોના પુરાવા હજુ બાકી
10371 નામ ડબલ નીકળ્યા, 3.45 લાખ ગેરહાજર જણાયા: બીએલઓ પાસે તાત્કાલિક પુરાવા રજૂ કરવા કલેકટરની અપીલ
ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તા. 27/10/2025ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શરૂૂ કરાયેલ SIRની કામગીરી તારીખ 11/12/2025 સુધી લંબાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મતવિસ્તારનાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા તા. 04.11.2025થી ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ (Enumeration Form-EF)નું વિતરણ તેમજ ભરેલા ફોર્મનું સંકલન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 2256 મતદાન મથકોનાં બી.એલ.ઓશ્રીઓ તેમજ બી.એલ.એ.શ્રીઓની સખત મહેનતથી કુલ 23,91,027 મતદારોની ઘરે-ઘરે ચકાસણી કરી ઈ.એફ. (ગણતરી ફોર્મ) ભરાવવામાં આવેલ છે અને તેનું બી.એલ.ઓ એપમાં ડિજીટાઈઝેશન કરવામાં આવ્યું છે. મતદારોની ડોર ટુ ડોર ખરાઈ દરમિયાન 20,46,090 એટલે કે 85.57 ટકા મતદારોનું ઈ.એફ. ડીજીટાઈઝેશન કરવામાં આવ્યુ છે. આ નામોની વિશેષ ખરાઈ કરી બી.એલ.ઓ. દ્વારા તેઓનું વર્ષ 2002ની મતદાર યાદીના સંદર્ભમાં મેપિંગ પણ કરવામાં આવ્યું છે. આ પૈકી 3,05,073 મતદારોએ 2002ની મતદાર યાદી સંદર્ભે બી.એલ.ઓ. સમક્ષ પૂરાવાઓ પૂરા પાડેલ નથી. જેઓની વિશેષ ખરાઈ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
આ મતદારોએ કમિશનના જણાવ્યા અનુસારના પૂરાવાઓ પોતાના બી.એલ.ઓ.ને તાત્કાલિક પૂરા પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારોની ચકાસણી દરમિયાન કુલ 88,820 મતદારો મૃત જાહેર થયેલ છે. જ્યારે 64,710 મતદારો સ્થળ પર મળી આવ્યા નથી. કુલ 1,71,876 મતદારો કાયમી સ્થળાંતરિત થયેલા જણાય છે. જ્યારે 10,371 મતદારોના નામ મતદાર યાદીમાં બેવડાયેલા જાહેર થયા છે અને 9,160 મતદારો દ્વારા વિગતો જાહેર કરવામાં આવી નથી. આમ, કુલ 3,44,937 મતદારો ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત માલુમ પડેલ છે. આવા ASD (Absent Shifted Death) વર્ગનાં મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, રાજકોટ દ્વારા rajkot.nic.in તથા rajkot.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ યાદી મતદારોના સંબંધિત ભાગના બી.એલ.ઓ. તથા બી.એલ.એ.ની પાસે પણ ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા મતદારોને પોતાના નામની ખરાઈ માટે આ યાદીઓની ચકાસણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તા. 16/12/2025ના રોજ મતદાર યાદીનો પ્રાથમિક મુસદ્દો તમામ મતદાર મથકો પર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે આ અજઉ યાદીનાં મતદારોના નામો મતદાર યાદીમાં સામેલ કરવામાં આવેલ નહીં હોય. જેથી આવા મતદારોને પોતાનું નામ યાદીમાં ચકાસી તા. 11/12/2025 સુધીમાં પોતાનું ગણતરી ફોર્મ (ઈ.એફ.) બી.એલ.ઓ.ને જમા કરાવવા ખાસ અનુરોધ કર્યો છે. વધુમાં, જે મતદારોનું નામ 2002ની મતદાર યાદીમાં મળી આવેલ નથી તેઓએ પોતાના બી.એલ.ઓ.ને જરૂૂરી પૂરાવાઓ તાત્કાલિક ધોરણે જમા કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. ઓમપ્રકાશે SIR ઝુંબેશમાં સામેલ તમામ બૂથ લેવલ ઓફિસર્સ, બી.એલ.એે, સુપરવાઈઝરો, ઈ.આર.ઓની આ તકે સુંદર કામગીર બદલ સરાહના કરી હતી.