પ્રદૂષણ ન કરો તો પણ ડામ: રૂા. 60થી 600 ચૂકવવા પડશે
દરેક નાગરિકે 50 ચો.મીટરથી વધુ કાર્પેટ હોય તેવી મિલકતના વેરાના 10 ટકા ટેક્સ ચૂકવવો ફરજિયાત
માહનગરપાલિકાના 2025-26ના આજે રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન તથા મિલ્કતવેરામાં 25થી 400 ટકા જેટલો વધારો સુચવ્યો છે. જ્યારે આજ સુધી ન આવતો ફાયર ટેક્સ પાછલા બારણેથી ઝીંકી દેવાયો છે. અને ગત બજેટમાં સુચવવામાં આવેલ એનવાયર્મેન્ટ ટેક્સ જે સરકારમાં મંજુરી અર્થે મોકલેલ તે મંજુર થઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે. આથી હવે શહેરમાં પ્રદૂષણ કરો કે ન કરો રૂા. 60થી રૂા. 600 સુધીનો પ્રદુષણ ટેક્સ દરેક આસામીઓએ ચુકવવો પડશે જેમાં 50 મીટરથી વધુ કાર્પેટની મિલ્કત હોય તેમને આ નિયમ લાગુ પડશે.
રાજકોટ શહેરની હદમાં ઉત્તરોત્તર વાહનોની સંખ્યામાં વધારો થાય છે, જેનાથી પ્રદુષણ અને ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને સુદ્રઢ બનાવવા અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો સરળતાથી અને મહત્તમ ઉપયોગ કરી શકે અને પ્રદુષણમાં ઘટાડો થશે. જે ધ્યાને લેતા નાણાંકીય વર્ષ 2023-24 મા એન્વાયરમેન્ટ ચાર્જ જનરલ બોર્ડ ઠરાવ નં. 50 તા.17/02/2023 થી દાખલ કરવામાં આવેલ છે, જેમાં બિન રહેણાંક મિલકતોનો કાર્પેટે એરિયા 50 ચો.મી.થી વધુ હોય તેવી મિલકતોના સામાન્ય કરના 10% લેખે નિયત કરવામાં આવેલ, જેમની મંજુરી અર્થે શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવેલ છે, જેની મંજુરી મળ્યેથી એન્વાયરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવનાર છે.
શહેરીજનો ઉપર એનવાયર્રેન્ટ ચાર્જ મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવ્યો છે. આ મુદ્દે પ્રદૂષણ બોર્ડના નિયમો મુજબ લોકો દ્વારા શહેરમો ચલાવવામાં આવતા વાહનોમાંથી નિકળતા ધુમાડા થકી પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. પરંતુ ટેક્સ ઝીંકવાથી પ્રદૂષણ ઓછુ થશે તેવુ માનવું મુશ્કેલ છે. જેની સામે દરેક નાગરિક પોતાના વાહનનો મહાનગરપાલિકાને અને આરટીઓને રોડ ટેક્સ ચુકવે છે તેવી જ રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત આવતા કાયદા અનુસાર દરેક વાહનનું ફિટનેશ સર્ટી કઢાવવું પડે છે અને તેનો ચાર્જ પણ ચુકવવો પડી રહ્યો છે. અધુરામાં દરેક વાહનનું પીયુસી સર્ટી પણ મેળવવું ફરજિયાત છે. છતાં મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણ ટેક્સ વસુલવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.