પતિને સાજા કરવાની જીદ સામે નિયતિએ પણ ઝૂકવું પડ્યું
પતિના હિમોફિલિયા રોગ વિશે જાણ હોવા છતાં લગ્ન કર્યા અને સાચા અર્થમાં જીવન સંગીની બન્યા ડો.સોનલ સાકરિયા
જન્મ સાથે જન્મતા અને મૃત્યુ સાથે મૃત્યુ પામતા રાજરોગ ગણાતા હિમોફિલિયાની જાગૃતિ અને સારવાર માટે કાર્ય કરે છે ડો. સોનલબેન સાકરિયા
‘પ્રથમ મુલાકાતમાં જ મારા પતિએ તેના રોગ વિશે મને જાણ કરી હતી અને લગ્ન ન કરવા માટે સૂચન કર્યું હતું. મેં વિચાર્યું કે લગ્ન પછી પતિને કોઈ બીમારી આવે કે અકસ્માતે કોઈ ખોડ ખાંપણ આવે તો પત્ની છોડીને જતી રહે છે ખરા? તો પછી હિમોફિલિયા રોગ સાથે હું તેમને શા માટે ન અપનાવું? સકારાત્મક સોચ અને સ્નેહમય સાથ વડે એક વ્યક્તિનું જીવન કેમ ન સંવારી શકું? અને અમે પરણી ગયા.આજે 35 વર્ષ પછી પણ લગ્નની એ ક્ષણ મારા માટે યાદગાર અને મહત્ત્વની છે’.આ શબ્દો છે હિમોફિલિક વ્યક્તિ સાથે પરણીને જીવનભરનો સાથ નિભાવનાર ડો.સોનલ સાકરિયાના.જેઓ આજે હિમોફિલિયા રોગને (જેમાં લોહી જામવાની ખામી હોય છે)જાણી તેના માટે કામગીરી કરે છે તેમજ જાગૃતિ ફેલાવે છે. અત્યારે સામાન્ય લાગતી આ વાત એટલી સરળ નહોતી.હતાશા, નિરાશા અને અશ્રુઓની પેલે પાર તેઓએ જીવનની લડાઈ જીતી છે અને લોકોને પ્રેરણા પૂરી પાડી છે.
લોહાણા પરિવારમાં જન્મ થયો.પિતાજી સહિત ચાર ભાઈઓ વચ્ચે તેઓ એકની એક દીકરી હતા. રાજકુમારી જેવા લાડ પ્યાર મળ્યા, સાથે જવાબદારી પણ મળી. કોલેજના પ્રથમ વર્ષમાં જ જીવનસાથી પરેશભાઈ સાકરિયા સાથે પરિચય થયો અને વડીલોની સહમતીથી લગ્ન બંધનમાં બંધાયા. આ લગ્ન બીજા કરતા વિશેષ હતા કારણ કે ભાવિ પતિના આનુવંશિક રોગ હિમોફિલિયા વિશે જાણ હોવા છતાં તેમનાં જીવન સંગીની બન્યા.બે દીકરાનો જન્મ થયો અને ગૃહસ્થી શરૂૂ થઈ.જ્ઞાતિ અલગ અને પસંદગીના લગ્ન હોવાથી સામાજિક અને આર્થિક રીતે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. બિઝનેસમાં પણ તેઓએ પતિના ખભે ખભા મિલાવીને કામ કર્યું,શૂન્યમાંથી સર્જન કર્યું.
જીવન સામાન્ય ચાલતું હતું તેવામાં એક દિવસ અચાનક પરેશભાઈને વોમિટ થઈ અને સ્ટમકમાં બ્લીડિંગ શરૂૂ થઈ જતા હોસ્પિટલાઇઝ કરવા પડ્યા.આઈસીયુમાં 29 દિવસ વેન્ટિલેટર પર રાખવા પડ્યા.આ બાબત તેઓ જણાવે છે કે બોડીનો કોઈપણ પાર્ટ એવો નહોતો જ્યાં બ્લીડિંગ થયું ન હોય. રોજના ઇન્જેક્શનનો જ ખર્ચ પાંચ લાખને પહોંચી જતો. દિવસ - રાત જોયા વિના અઢી મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા આ દરમિયાન બંને દીકરાઓએ પણ ખૂબ ભોગ આપ્યો. હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા જમીન મિલકત વગેરે વેચી નાખ્યું ત્યારે પરિવારજનોએ મારી મૂર્ખમાં ગણતરી કરી પરંતુ હિમોફિલિક હોવા છતાં જો પતિએ આટલા વર્ષમાં ઘર પરિવારને બધું જ સુખ આપ્યું હોય તો જે ક્ષણે તેમને જરૂૂર હોય અને એમનો જ પૈસો તેમને સાજા કરવામાં ન વાપરું તો હું મને માફ કેવી રીતે કરું? શારીરિક તકલીફ અનેક હતી તેની સામે સોનલબેનનો પોઝિટિવ અને મજબૂત ઈરાદો અને કોઈ પણ ભોગે પતિને સાજા કરીને ઘરે લઈ જવાનો નિર્ધાર હતો.તેમની જીદ સામે નિયતિએ પણ જાણે ઝૂકવું પડ્યું.
પતિને સાજા કર્યા.તેમનો સંઘર્ષ નજરે જોનાર તેમને સોનલ નહીં પણ યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લાવનાર સાવિત્રી કહેતા.અઢી મહિના પછી પણ નાની મોટી તકલીફો ચાલુ હતી આ દરમિયાન આર્થિક પરિસ્થિતિ નબળી પડી.બિઝનેસના પણ વળતા પાણી થયાં.પરિવારને સધ્ધર કરવા પોતે કંઈક કરવાનું નક્કી કર્યું.સત્વ હર્બલ બ્યુટી કેરની સ્થાપના કરી.આયુર્વેદનું ભણ્યા,જુદા જુદા કોર્સ કર્યા અને મહિલાઓને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટના બદલે નેચરલ પ્રોડક્ટ મળે તે માટે શ્રીસ્વા આયુર્વેદા પ્રોડક્ટ બનાવવાનું શરૂૂ કર્યું.ફક્ત રસોડાની વસ્તુઓ,ઓસડિયામાંથી સ્કીન કેર, હેર કેર પ્રોડક્ટ બનાવે છે.રાજકોટની ખૂબ જાણીતી વ્યક્તિ તેમના ક્લાયન્ટ છે.22 પ્રકારની પ્રોડક્ટ તેઓ વેચે છે તેમજ સ્કીન કેર, હેર કેર વગેરે ટ્રીટમેન્ટ પણ તેઓ કરે છે.
પતિને સાજા કર્યા બાદ અન્ય લોકોને મદદ કરવાનું બીડું ઉઠાવ્યું.સોનલબેન સૌરાષ્ટ્ર - કચ્છ હિમોફિલિયા સોસાયટી રાજકોટ ચેપ્ટરના સેક્રેટરી છે, વેસ્ટ રિજિયનમાં ત્રણ વર્ષ વીમેન્સ ગ્રુપમાં કોર્ડિનેટરની સેવા આપેલ છે તેમજ હિમોફિલિયા ફેડરેશન ઇન્ડિયામાં છ વર્ષ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. હિમોફિલિયા રોગને તેઓએ ખૂબ નજીકથી જોયો હોવાથી અડધી રાત્રે પણ કોઈ મદદ માગે તો તેઓ ક્ષણનો પણ વિચાર કરતા નથી. તેમના જણાવ્યા મુજબ પેશન્ટને ફ્રી ફેક્ટર મળી રહે તે માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા જેના પરિણામ સ્વરૂૂપ હાલ અઢી કરોડ જેટલી ગ્રાન્ટ મળે છે તેમજ બાળકોને શિક્ષણ સહિતની અનેક સેવાઓ પૂરી પાડે છે સૌરાષ્ટ્ર - કચ્છમાં હાલ રજિસ્ટર થયેલ 700થી વધુ પેશન્ટ છે તેઓ જણાવે છે કે આ રોગમાં સ્ત્રી કેરિયર હોય છે તેથી તેના બાળકો હિમોફિલિયા સાથે જન્મે છે અત્યારના સમયમાં પ્રેગનેન્ટ મહિલા માટે કેરિયર ડિટેક્શન અને પ્રિનેન્ટલ ડાયાગ્નોસીસથી બાળકને આ રોગ છે કે નહીં તે જાણી શકાય છે તેમજ બાળકને આવતું અટકાવી પણ શકાય છે.
રાજકોટમાં અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટે તેમનું સેનેટોરિયમ હિમોફિલિયાના પેશન્ટ માટે ફ્રીમાં આપ્યું છે. હિમોફિલિયા પેશન્ટનું એક ગ્રૂપ છે તેઓ ત્યાં જુદા જુદા તહેવારો, કાર્યક્રમો બધા સાથે મળીને માણે છે.પતિની સારવારમાં ડો.ગૌરાંગ બુચનો તથા સ્ટ્રોંગ મહિલા તરીકે પસંદગી પામી દિલ્હી ટ્રેનિંગ માટે જઇ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખ અપાવવા બદલ ડો.કિરણ અવાસિયાનો આભાર માને છે.સમાજ માટે તેમજ મહિલાઓ માટે કામ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે.પતિ અત્યારે બિલકુલ સ્વસ્થ છે ત્યારે બે પુત્રો,બે પુત્રવધૂ અને પૌત્ર સાથે પોતાના જીવનથી તેઓ ખૂબ ખુશ અને સંતુષ્ટ છે. ડો.સોનલબેન સાકરિયાને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મુશ્કેલીમાં મજબૂત રહો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે મુશ્કેલી આવે ત્યારે મહિલાઓએ મજબૂત રહેવું ખૂબ જરૂૂરી છે કારણ કે સ્ત્રી દરેક પરિવારનો આધાર હોય છે, જો તે ડગી જાય તો પરિવાર પણ ડગી જાય છે તેથી મજબૂત રહીને મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. ક્યારેય હાર માનવી જોઈએ નહીં. બીજું તમે લીધેલા નિર્ણયનો ક્યારેય અફસોસ ન કરો. નિર્ણય કરો તેને વળગી રહો અને તેને સાચો સાબિત કરો.
રાજરોગ ગણાતો હિમોફિલિયા રોગ શું છે?
હિમોફિલિયા વિશે તેઓએ જણાવ્યું કે જન્મ સાથે જન્મતો અને મૃત્યુ સાથે મૃત્યુ પામતો રોગ છે. જે જન્મ સમયે આવે છે અને જીવન પર્યંત રહે છે. આ રોગમાં ત્રણ ટાઈપના પેશન્ટ હોય છે. માઈલ્ડ, મોડરેટ અને સિવિયર.મારા પતિ સિવિયર છે. જેને સિવિયર હોય તેને આ રોગનો જન્મથી જ ખ્યાલ આવી જાય છે. બાળકને દાંત આવવામાં,ચાલવામાં બેસવામાં દરેક જગ્યાએ તકલીફ પડે છે.આ રોગમાં પેશન્ટએ એક્સસાઈઝ ,સ્વીમિંગ, સાઇક્લિગં વગેરે કરવું ખૂબ જરૂૂરી છે. આ રોગથી માણસ જલ્દી મૃત્યુ પામે તેવું નથી તેથી થોડી કાળજી રાખવામાં આવે તો વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.