નવ મિટર કરતા ઓછું બાંધકામ ધરાવતી કોલેજને પણ ફાયર NOC રજૂ કરવું પડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફાયર એનઓસી માટે ફરીથી કોલેજોને પરીપત્ર કરવામા આવ્યો છે અત્યાર સુધી 9 મીટર કરતા ઓછુ બાંધકામ ધરાવતી કોલેજોને ફાયર એનઓસીનાં દાયરામા સમાવેશ કરાયો હતો નહી પરંતુ હવે તેઓને હજી સર્ટીફીકેટ રજુ કરવુ પડશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી ફાયર એનઓસી યાદી આવી હોય એમ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો માટે ફાયરNOC (Fire No Objection Certificate ) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણય સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોને લાગુ પડશે. પરિપત્ર મુજબ, જે શૈક્ષણિક ઇમારતોની ઊંચાઈ 9 મીટર કે તેથી વધુ હોય તેમને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું જરૂૂરી છે. જોકે, હવે 9 મીટર કરતાં ઓછું બાંધકામ ધરાવતી કોલેજોએ પણ ફરજિયાતપણે ફાયર NOC રજૂ કરવું પડશે.
આ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 હેઠળ સુરક્ષાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. આગામી વર્ષ 2026-27 માટે જોડાણ અરજી કરતી વખતે તમામ કોલેજોએ ફરજિયાતપણે ફાયર NOC જોડવાનું રહેશે. આ પરિપત્રનો અમલ કરવા માટે, તેની એક નકલ યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવના અંગત સચિવોને પણ મોકલવામાં આવી છે અને વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવા વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણય કોલેજોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે લેવામાં આવ્યો છે અને આગની ઘટનાઓ સામે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.