ફાર્મસીમાં ઓફલાઇન રાઉન્ડ બાદ પણ 30 ટકા બેઠક જ ભરાઇ
70 ટકા સીટ ખાલી રહેતા શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મૂકાયો : અંતિમ દિવસે માત્ર 267નો પ્રવેશ
રાજ્યમાં 140થી વધારે ફાર્મસી કોલેજોની 8050 બેઠક માટે ઓનલાઇન રાઉન્ડ પૂરાં કર્યા બાદ સરકારી કોલેજોમાં 337 બેઠક ખાલી પડી હતી. આ બેઠક માટે આજે ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવ્યો હતો. ઓફલાઇન રાઉન્ડમાં 267 વિદ્યાર્થીએ સ્વનિર્ભર કોલેજમાંથી સરકારી ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોલેજમાં પ્રવેશ ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલમાં 70 બેઠકો ખાલી પડી છે. આગામી 30મી સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોવાથી સરકારી કોલેજની બેઠક માટે હવે કોઇ રાઉન્ડ કરવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં ફાર્મસી કોલેજોને મંજૂરી આપવામાં ભારે વિલંબ કરવાના કારણે સૌથી મોટી પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી. ઓનલાઇન રાઉન્ડ પૂરા કર્યા બાદ 7680 બેઠક પર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સરકારી ડિપ્લોમા અને ડિગ્રી ઇજનેરી કોલેજમાં પણ 337 બેઠક ખાલી પડી હતી. નિયમ પ્રમાણે સરકાર કોલેજોમાં ખાલી પડેલી બેઠક માટે વધારાનો ઓનલાઇન રાઉન્ડ કરવામાં આવતો હોય છે. ફાર્મસી કોલેજોને મોડી મંજૂરી મળવાના કારણે ત્રીજો ઓનલાઇન રાઉન્ડ થાય તેવો સમય ન હોવાના કારણે પ્રવેશ સમિતિ દ્વારા સીધો ઓફલાઇન રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ઓફલાઇન પ્રવેશ માટે વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, ઓફલાઇન રાઉન્ડમાં 1250 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ 17મીના રોજ પ્રવેશ સમિતિ ખાતે ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. દિવસ દરમિયાન 267 વિદ્યાર્થીને ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આજની કાર્યવાહી પૂર્ણ થઇ તે દરમિયાન ડિગ્રી ફાર્મસીની તમામ બેઠક ફુલ થઇ ચૂકી છે.
હવે જુદી જુદી ડિપ્લોમા ફાર્મસીની 70 બેઠક ખાલી પડી છે. સૂત્રો કહે છે, અગાઉ મેરિટના કારણે સરકારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ ન મળવાના કારણે કેટલાક વિદ્યાર્થીએ સ્વનિર્ભર ફાર્મસી કોલેજમાં પ્રવેશ લેવો પડયો હતો. આજે ઓફલાઇન રાઉન્ડ દરમિયાન 267 વિદ્યાર્થી પૈકી મોટાભાગના સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીએ સરકારી કોલેજમાં પ્રવેશ ટ્રાન્સફર કરાવી લીધો હતો. હાલમાં ખાલી પડેલી બેઠક પર હવે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. સ્વનિર્ભર કોલેજોમાં ખાલી પડેલી બેઠક ભરવા માટે જે તે કોલેજને પરત આપી દેવામાં આવી છે. આગામી 30મી સુધીમાં કોલેજો પોતાની રીતે વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી શકશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોમાં મોટી સંખ્યામાં ફાર્મસી કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે.
અગાઉ ડિગ્રી ફાર્મસી કોલેજોની સંખ્યા મર્યાદિત હોવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ ન મળે તેવી સ્થિતિમાં ડિપ્લોમા ઇજનેરી કરવાનું પસંદ કરતાં હતા. મોટી સંખ્યામાં કોલેજોની મંજૂરી બાદ હાલમાં ડિગ્રી ફાર્મસી કોલેજોમાં જ બેઠક ખાલી હોવાથી વિદ્યાર્થી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ લેતાં અટકી રહ્યા છે. જેના કારણે હાલમાં સરકારી ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં પણ બેઠક ખાલી રહી છે.