રોગચાળાએ માઝા મૂકી: તાવની બીમારીથી વધુ એક યુવકનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અનેક માનવ જિંદગી રોગચાળાના કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે ગોંડલના સડક પીપળીયા ગામે રહેતા શ્રમિક યુવકને તાવ ચડ્યા બાદ લોહીની ઉલટી થતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે મજૂરી અર્થે આવેલા મદન રામભાઈ રાજપૂત નામનો 35 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તાવ ચડતા સાથે જ લોહીની ઉલટી થતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. શ્રમિક યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મદન રાજપૂત મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. અને સડક પીપળીયા ગામે કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક યુવાન બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.