ગુજરાતમાં કોરોના જેવા HMPV વાઈરસની એન્ટ્રી: કર્ણાટકમાં પણ બે કેસ
મોડાસાના બે મહિનાના અને બેંગ્લોરમાં 3 તથા 8 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ: ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
ચીનથી સમગ્ર વિશ્ર્વમાં કાળોકેર વર્તાવનાર કોરોના વાયરસ બાદ વધુ એક વાયરસ હવે ભારતમાં પ્રસર્યો છે. ચીનના HMPV એટલે કે, હ્યુમન મેટાપ્યુમો વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે. ગુજરાતના અમદાવાદમાં 1 અને કર્ણાટકના બેંગ્લોરમાં બે બાળકોમાં આ વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારે ફફડાટ ફેલાયોછે.
મોડાસા નજીકના ગામમાં રહેતા બે મહિનાના બાળકનો ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરવામાં આવતા પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે કર્ણાટકમાં ત્રણ મહિનાની બાળકી અને 8 મહિનાના બાળકને બેંગ્લોરની બેપ્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.HMPV ના કેસો ધ્યાનમાં આવતા જ ઈન્ડિયન કાઉન્સીલર ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ અંગે તાત્કાલીક એડવાઈઝરી પણ બહાર પાડી દેવાઈ છે.
આ ઉપરાંત સરકારના આરોગ્યવિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, HMPV એ નવો વાયરસ નથી પરંતુ ભારત સહિત વિશ્ર્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે. આ ઉપરાંત ભારતનું આરોગ્ય વિભા પહેલેથી જ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના આધારે આ પ્રકારના સ્વસંન સબંધી રોગોને પહેલેથી જ ટ્રેક કરી રહ્યું છે જેમાં કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી.
આ વાયરસથી સંક્રમિત થનારાઓમાં મુખ્યત્વે બાળકો અને વૃદ્ધો જોવા મળે છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આ વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષ્ણો જોવા મળે છે. પરંતુ કોઈ ગભરાવા જેવી વાત નથી અને સરકાર દ્વારા જાહેર કરેલ એડવાઈઝરીનું યોગ્ય પાલન કરવા માટે પણ જણાવાયું છે.
સરકારે એડવાઇઝરીના ભાગ રૂપે હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ઈંકઈં) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસ ચેપ (SARI) ના કેસોની IHIP પોર્ટલ દ્વારા તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાર્વત્રિક સાવચેતીઓનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોએ SARI કેસ અને લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા જરૂૂરી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદમાં બાળક પાંચ દિવસથી વેેન્ટિલેટર ઉપર
આજે સામે આવેલાHMPV નો પ્રથમ કેસ ચાંખખેડાની હોસ્પિટલમાં સામે આવ્યો હતો. ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડો.નિરવ પટેલે જણાવ્યુ હતુ કે,મોડાસાની નજીક એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયુ હતુ. તેને 5 દિવસ વેન્ટિલેટર પર પણ રખાયું હતુ. તેનો રીપોર્ટ કરાવવામાં આવતા તેને HMPV હોવાનુ સામે આવ્યું છે. બાળકની તબિયત હાલ સ્થિર છે.
વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાશે
ચીનના ચેપી વાઇરસ એચએમપીવીના ગુજરાત સહિત ભારતમા 3 કેસ નોંધાતા સરકાર એલર્ટ બની છે અને વિદેશથી આવનાર પ્રવાસીઓ માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે. ટુંક સમયમાં જ એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવા સહિતના પગલાઓ ભરવામાં આવનાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ માટે ગમ્મે ત્યારે એસઓપી જાહેર કરે તેવી શકયતા છે. કેન્દ્ર સરકારે રાજય સરકારોને પણ દવાના જથ્થા સહિતની બાબતો માટે એલર્ટ રહેવા સુચના આપી છે અને નવા વાઇરસના સંભવિત ખતરા સામે યુધ્ધના ધોરણે પગલા ભરવાનું શરૂ કરાયુ છે.