રાજકોટ ટેસ્ટ પહેલા સ્પિનની પ્રેક્ટિસ કરવા ઇંગ્લેન્ડની ટીમ અબુધાબીમાં
કન્ડિશનિંગ કેમ્પનું આયોજન, 15મીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજાશે ત્રીજો ટેસ્ટ મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. આ જીત પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે રમાનાર છે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારત છોડીને જઈ ચૂકી છે.
વિશાખાપટ્ટનમમાં 106 રનની હાર બાદ ઈંગ્લેન્ડની ટીમે સખત પ્રેક્ટિસને બદલે આરામ માટે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના સમયનો ઉપયોગ વિરામ માટે પસંદ કર્યો છે. બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ તેના પરિવાર સાથે અબુ ધાબી પરત ફરી છે. 9 દિવસના વિરામ દરમિયાન ખેલાડીઓ અહીં આરામ કરશે અને ગોલ્ફ રમવામાં સમય પસાર કરશે. ભારત સામેની ટેસ્ટ સીરિઝની તૈયારી માટે ઈંગ્લેન્ડે પ્રેક્ટિસ મેચ રમવાને બદલે અબુ ધાબીમાં કન્ડિશનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું. અબુ ધાબીમાં કેમ્પ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમે ભારતીય સ્પિનરોનો સામનો કરવાની રીતો પર કામ કરવામાં ઘણો સમય પસાર કર્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડની ટીમને તેનો લાભ પણ મળ્યો હતો અને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતવામાં સફળ રહી હતી.
ટિકિટના રૂા.500થી 25000 સુધીના ભાવ
રાજકોટમાં ચાર મહિના બાદ ફરી ક્રિકેટનો જંગ જામશે. કારણ કે, ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ટિકિટના દર 500થી શરૂ કરી 25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટ રસિકોએ ઈસ્ટ ગેટના લેવલ 1, 2 અને 3 માટે સિઝન ટિકિટના રૂૂ.500 અને એક દિવસના રૂૂ.120 ચૂકવવાના રહેશે. જ્યારે સૌથી મોંઘી ટિકિટમાં સાઉથ પેવેલિયન બ્લોક-2ના રાખવામાં આવ્યા છે. જેમાં ખાતીરદારી સાથે મેચ જોવા માટે પ્રેક્ષકોએ સિઝન ટિકિટના રૂૂ.25,000 આપવા પડશે.
આ ઉપરાંત લેવલ 1માં બ્લોક 1-2 માટે રૂ.5000 અને એક દિવસના રૂ.1200, લેવલ-3માં 2000 અને એક દિવસના રૂ.450, હોસ્પિટાલિટી સાથે 15 સીટના કોર્પોરેટર બોક્સ માટે સીટ દીઠ રૂ.10,000, જ્યારે વેસ્ટ ગેટમાં લેવલ 1, 2 અને 3ના ક્રમશ: 1000, 1200, 1200 તો એક દિવસના ક્રમશ: 250, 300 અને 300 ભાવ રાખવામાં આવ્યો છે. આ જ સ્ટેન્ડમાં કોર્પોરેટ પ્રીમિયમમાં 15 સીટના બોક્સ માટે એક સીટના રૂ.10,000 લેખે ચૂકવવાના રહેશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાનારી છે. માટે 11 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે અને કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજીમાં રોકાશે. જ્યારે બીજા દિવસે 12મી ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવ્યા બાદ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. 6 વર્ષ બાદ ફરીથી રાજકોટમાં ટેસ્ટ મેચ યોજાતા રાજકોટના રિયલ ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.