ધોરાજીના ઉમરકોટમાં જંગલખાતાની 200 વિઘા જમીન પર થયેલા દબાણો તોડી પડાયા
આશરે 23.50 કરોડ રૂૂપિયાની જમીન ખુલ્લી કરાવીને જંગલખાતાને સોંપાઈ
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી શ્રી નાગાજણ તરખાલાની આગેવાનીમાં આજે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આશરે 200 વિઘા જમીન પરથી 23.50 કરોડ રૂૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, વર્ષ 2010ની સાલમાં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે 33 હેકટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર 10 પૈકી 1 અને 75 પૈકી 2ની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. જો કે આ પૈકીની આશરે 31 હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા 15 વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા. ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્ય પધ્ધતિ મુજબ કલમ-61 નીચે કેસો ચલાવી અને કલમ-202 નીચે આખરી નોટીસો આપવામાં આવી હતી. છતાં દબાણ દૂર ના કરાતા, આજરોજ ડિમોલીશન હાથ ધરીને 19 દબાણદારોએ કરેલા આશરે 200 વિઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 23.50 કરોડ રૂૂપિયાથી વધુ થાય છે. આ કામગીરીમાં આઠ જેસીબી, 15 ટ્રેકટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ 19 દબાણદારો પૈકી ત્રણ ઈસમો વિરૂૂધ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.