કર્મચારીઓ મેદાને: કાળીપટ્ટી બાંધી સરકારનો વિરોધ
જુની પેન્શન યોજના સહીતના પ્રશ્નો હલ નહી થતા રાજયના કર્મચારીઓ દ્વારા સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે અને આજથી આંદોલનનો પ્રારંભ થતા રાજકોટના 1000 થી વધારે માસ્તરો અને વિવિધ કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર આચાર્ય સંઘના મંત્રી અને શેઠ હાઈસ્કૂલના આચાર્ય ડો. તુષાર પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંકલન સમિતિના પહેલાં મુજબ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણી પહેલા તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને કરેલી રજૂઆત બાદ પાંચ મંત્રીઓની સમિતિ રચાઈ હતી. તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ બાબતનો કોઈ જ ઠરાવ કરવામાં આવ્યો નથી. જેને લીધે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા માત્ર ગ્રાન્ટ નીતિમાં ફેરફાર થયો છે તે આવકાર્ય છે.
જોકે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, તે કરાર આધારિત પ્રક્રિયા છે. જોકે તેને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી, આચાર્યોની ભરતી કરવી, ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવો સહિતના પ્રશ્નોને લઈને આજે તમામ શિક્ષકો તેમજ આચાર્યો સહિતના દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આગામી 16મી ફેબ્રુઆરીએ કાળા વસ્ત્રો પહેરી વિરોધ કરવામાં આવશે. ત્યાર બાદ પણ જો સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મંત્રણા કરવામાં નહીં આવે તો 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જેમાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શિક્ષકો જોડાશે.
રાજકોટની ગ્રાન્ટેડ પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર પુંજાણીએ જણાવ્યું હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ભરતી, જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી સહિતના પ્રશ્નોને લઈને આજથી બે દિવસ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. ત્યાર બાદ 16મી ફેબ્રુઆરીએ કાળા વસ્ત્રો ધારણ કરવામાં આવશે. શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની જે અધૂરી માંગણીઓ છે તેને લઈને સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી વહેલી તકે પડતર માંગણીઓ સંતોષવામાં આવે તેવી માગ કરવામા આવે છે.