વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
જામનગરના ચેલા વિસ્તારમાં આવેલા રંગમતી ડેમ પાસે ભારતીય વાયુ સેનાના એક હેલિકોપ્ટરનું અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં ઉડાન દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાને કારણે પાયલોટે સાવચેતીના ભાગરૂૂપે આ પગલું ભર્યું હતું અને હેલિકોપ્ટરને મેદાનમાં ઉતાર્યું હતું.
ઈમરજન્સી લેન્ડિંગની જાણ થતાં જ વાયુ સેનાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાના કારણોસર, હેલિકોપ્ટર જ્યાં લેન્ડ થયું હતું તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષિત કરી દેવાયો હતો. વાયુ સેનાના તકનીકી નિષ્ણાતો દ્વારા હેલિકોપ્ટરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને તાત્કાલિક ધોરણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જરૂૂરી રીપેરીંગ કાર્ય પૂર્ણ થયા બાદ હેલિકોપ્ટરને ફરીથી સફળતાપૂર્વક ટેક ઓફ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.