લોધિકા, પડધરી, પારડી, રોણકીમાંથી રૂપિયા 26 લાખની વીજચોરી ઝડપાઇ
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજ ચેકિંગ ચાલુ છે અને કાયદાનો ડર ન હોય તેમ બેફામ બનેલા વીજચોરો સામે તંત્ર દ્વારા તવાઈ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામેલ છે. વીજ ચોરીના દુષણથી પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આજરોજના મળતા પ્રાથમિક અહેવાલો મુજબ પીજીવીસીએલ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે લોધિકા, પડધરી, પારડી અને રોણકીમાં તા: 02-02-2024ના રોજ સઘન વીજ ચેકિંગ કરી વીજ ચોરોને રંગેહાથો પકડી લેવામાં આવેલ હતા. એસ.આર.પી. સ્ટાફ તથા જે પૈકી 38 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં એક જ દિવસમાં કુલ રૂૂ. 10.34 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે તા: 01-02-2024ના રોજ પણ આવીજ એક ચેકિંગ ડ્રાઈવમાં જસદણ, વિંછીયા અને આટકોટમાં કુલ 27 જેટલી ટીમો દ્વારા 73 જેટલા વીજજોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ માલુમ પડેલ હતી. જેમાં કુલ રૂૂ. 15.35 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આમ, સતત ચોથા દિવસે થયેલી ઉપરોક્ત વીજ ચેકિંગ ડ્રાઈવમાં તંત્રને કાબેલેદાદ સફળતા પ્રાપ્ત થયેલ છે તેમજ તેવુ પુરવાર કરેલ છે કે વીજ તંત્ર વીજ ચોરીના દુષણને સમાજમાંથી હટાવવા માટે કટિબદ્ધ છે. તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ ઈજનેરોને બિરદાવેલ છે. હવે પકડાયેલ વિજચોરીઓના અંદાજીત દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવશે. આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા બોટાદ, જામનગર, ભાવનગર, મોરબી જીલ્લાઓ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં પણ માતબર રકમની વીજચોરીઓ પકડી પાડીને વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવેલ હતી. આમ, તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને વીજ લોસ ઘટાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં અ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાસલ કરેલ છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.