રાજકોટમાં સાત મહિનામાં રૂા.11.38 કરોડની વીજચોરી ઝડપાઇ
એપ્રિલથી અત્યાર સુધીમાં 32559 કનેકશનમાં ચેકિંગ, 2923માંથી ગેરરીતિ ઝડપાઇ: PGVCની કાર્યવાહીથી ફફડાટ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
આજરોજ એટલે કે તા. 29.10.25 બુધવારના રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-1 વિભાગીય કચેરી હેઠળની કોઠારીયા, રણછોડ નગર, આજી-1પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, એકતા કોલોની, મહાત્માગાંધી સોસાયટી, અંકુર સોસાયટી, કુબલીયાપરા, વિજયનગર,શ્રી પાર્ક સોસાયટી, રાજનગર સોસાયટી, શાનદાર રેસિડેન્સી, ગણેશ નગર, ખોડિયારપરા સોસાયટી, રોહીદાસપરા વગેરે માં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 38જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 905જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 78 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 33.95 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
નોંધનીય છે કે એપ્રિલ-25 થી તા. 29.10.25 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ32559વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ2923 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂૂ. 1124.38 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.