વીજતંત્ર દ્વારા સતત બે દિવસ ચેકિંગ, 40.44 લાખના બિલ ફટકાર્યા
કુલ 164 વીજજોડાણોમાં ‘કારીગરી’ ઝડપાઇ, અડધા રાજકોટમાં તપાસ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. સોમવારનાં રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર- 3 વિભાગીય કચેરી હેઠળની વાવડી ખોખડદળ, કાલાવાડ રોડ, મવડી રોડ, પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, સ્વાતી પાર્ક, જે.કે.પાર્ક, સોમનાથ પાર્ક, આસોપાલવ પાર્ક, રાધેશ્યામ પાર્ક, સ્વાતી પાર્ક, પુનિતનગર હાઉસિંગ સોસાયટી, મધુવન પાર્ક, અમીધારા પાર્ક, સીતારામ સોસાયટી, શિવ પાર્ક, વૃંદાવન સોસાયટી, કર્મચારી સોસાયટી, આંગણ પાર્ક, તિરુપતિ પાર્ક, જે.કે.ચોક, સાધુવાસવાણી ચોક, એસએનકે સ્કુલથી ક્રિસ્ટલ મોલ વચ્ચેની દુકાનો, હોટેલો , ગોકુલનગર, તિરુપતિ સોસાયટી, આંબેડકર ચોક વગેરેમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 37 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 795 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 84 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 20.55 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
જયારે મંગળવારનાં રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-1 વિભાગીય કચેરી હેઠળની આજી-1, આજી-2, મીલપરા, કોઠારીયા રોડ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, પીટીસી મેઈન રોડ, ભાવનગર રોડ, ગંજીવાડ વિસ્તાર, લલુડી વોકડી વિસ્તાર, કેવડાવાડી મેઈન રોડ, સ્લમ ક્વાર્ટર, રાધાકૃષ્ણ શેરી નં. 1 થી 18, નાડોદા નગર, સીતારામ સોસાયટી,મહાત્મા ગાંધી સોસાયટી, સોમનાથ સોસાયટી, શિવધારા સોસાયટી, ચાનડીયાપરા, રોહીદાસપરા, લાતી પ્લોટ શેરી નં.-4 વગેરે માં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 36 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 826 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 80 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 20.44 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.