જામનગરમાં હાઉસિંગ બોર્ડના 322 જર્જરિત આવાસોના વીજ જોડાણો કપાશે
ગુજરાત હાઉસીંગ બોર્ડના જામનગરમાં આવેલા 322 જર્જરીત મકાનોના હવે વીજ અને પાણી કનેકશન કાપવામાં આવશે. મકાન ખાલી કરવા મહાપાલિકાને જાણ કરવામાં આવી છે. ગત વર્ષે પણ વીજ કનેક્શનથી લઈ પાણીના કનેક્શન દૂર કરવાની કામગીરી કરાઈ હતી. પરંતુ પાછળથી અચાનક બંધ કરી દેવાઈ હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ પ્રક્રિયાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ વચ્ચે ટીડીઆર ના કૌભાંડને લઈને સરકાર સુધી ફરિયાદો થઈ છે. કરોડો રૂૂપિયાના ટીડીઆર કૌભાંડની તપાસ માટે મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં જાણ કરાઈ છે. જો તપાસ થાય તો બોર્ડના અધિકારીઓ અને ડેવલપર્સની સાઠગાંઠ ખુલ્લી પડી જાય. પરંતુ હજી સુધી કોઈ તપાસ કરાઈ નથી.
બીજી તરફ ચોમાસાને ધ્યાનમાં રાખી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત 37 હજાર મકાનોને નોટિસ અપાઈ હતી. નોટિસના પગલે ગણતરીના લોકોએ જ પોતાના મકાનમાં સુધારો-વધારા કરાયા છે. આ સિવાય રિપેરિંગ ન કરાવનાર જામનગર સહિતના વિવિધ શહેરનો સ્થળો પર આવેલા બોર્ડના જર્જરિત અને અતિજર્જરિત મકાનીના વીજ પુરવઠાનું અથવા તો પાણીનું કનેકશન દૂર કરવાની કામગીરી કરાશે.
બોર્ડના સ્થાનિક કર્મચારીઓ સ્થળ પર જશે અને મકાનની સ્થિતિ અતિજર્જરિત લાગશે તો ત્વરિત રિડેવલપમેન્ટની ચાલુ પક્રિયામાં જોડાઈ જવા અથવા તો મકાન ખાલી કરવા સહિતની કાર્યવાહી કરશે. જો જર્જરિત મકાન ખાલી નહીં કરે તો વીજ પુરવઠા અને પાણીનું કનેક્શન દૂર કરવા માટે સ્થાનિક તંત્રને જાણ કરાશે. 322 મકાનો જામનગરનાં મકાનો સામે પણ કાર્યવાહી કરાશે તેમ હાઉસીંગ બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે.