સરકારી તંત્રમાં હવે ઇલેક્ટ્રિક વ્હિકલ ફરજિયાત
પેટ્રોલ-ડિઝલના વાહનો તબકકાવાર દૂર કરાશે, ચિંતન શિબિરમાં પ્રસ્તાવ પર ચર્ચા
પર્યાવરણને નુકસાન પહોંચાડતા અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel)નો વપરાશ ઘટાડવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારના તમામ પેટ્રોલ અને ડીઝલ વાહનોને તબક્કાવાર રીતે ઈલેક્ટ્રિક વાહનો (EV) માં રૂૂપાંતરિત કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોને ધીમે ધીમે સેવામાંથી દૂર કરવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા આગામી દિવસોમાં તમામ વિભાગોને મોકલી આપવામાં આવશે. વલસાડ ખાતે ચાલી રહેલી ચિંતન શિબિર માં પણ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત પુન:પ્રાપ્ય ઊર્જા (Renewable Energy)) ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં, રાજ્યમાં ઈલેક્ટ્રિક મોબિલિટીનો વ્યાપ હજુ મર્યાદિત છે. ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ મુજબ ગુજરાત હાલમાં 16માં ક્રમે છે, જે દર્શાવે છે કે સરકારી અને ખાનગી વાહનોને ઈલેક્ટ્રિકમાં ફેરવવા માટે હજુ ઘણી તકો રહેલી છે.
રાજ્ય સરકારની ઈવી પોલિસીમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક જોગવાઈઓ છે, પરંતુ જાહેર ક્ષેત્રમાં તેનો અમલ ધીમો છે. હાલમાં મોટાભાગના સરકારી અને મ્યુનિસિપલ વાહનો પેટ્રોલ અને ડીઝલ પર ચાલે છે. ચાર્જિંગ સ્ટેશનો પણ મુખ્યત્વે શહેરી વિસ્તારો પૂરતા મર્યાદિત છે.
રાજ્ય સરકાર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ને તેની બસોને ઈલેક્ટ્રિક વાહનોમાં ફેરવવા માટે મદદ કરવા વિચારી રહી છે. ખાસ કરીને એવા રૂૂટ પર જ્યાં ઈવી બસો ચલાવવી આર્થિક અને વ્યવહારિક રીતે શક્ય હોય ત્યાં આ ફેરફાર કરવામાં આવશે.
સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, વિભાગો માટે ઈવી અપનાવવાના લક્ષ્યાંકો નક્કી કરીને, જિલ્લા કક્ષાએ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને અને જાહેર પરિવહનમાં ઈવીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ કરીને સરકાર પ્રદૂષણ મુક્ત પરિવહન વ્યવસ્થા ઉભી કરવા માંગે છે.