ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા
ગુજરાતની કેબિનેટમાં 70 ટકા પ્રધાનો કોંગ્રેસમાંથી આવેલા છે: ‘આપ’ના MLAનો વાર
ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને કેવી રીતે બનશે? એ બધા પ્રશ્નો ભાજપની પાર્ટીના છે. આ વિષય પર અમારે કશું બોલવાનું રહેતું નથી. પરંતુ જનતાએ આ બાબત જાણવી જરૂૂરી છે કારણ કે ગુજરાતમાં ભાજપની સરકાર છે.
એટલે જે પણ વ્યક્તિ પ્રમુખ બનશે એમનો સરકારની અંદર હસ્તક્ષેપ અને પ્રભાવ રહેશે એટલે કે હવે પછીની સરકાર જે રીતે કામ કરશે એમાં પ્રદેશ પ્રમુખની માનસિકતા, એમના વિચારો, એમની જ્ઞાતિ, એમનું ભણતર એ બધાની ભૂમિકા સરકાર ઉપર રહેવાની છે. એટલે ગુજરાતની જનતાએ ગુજરાતના નાગરિકોએ સત્તાધારી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ બને છે એમાં ધ્યાન આપવું જોઈએ અને એની ચર્ચા કરવી જોઈએ.
આખા દેશમાં ચૂંટણીને મજાક, મસ્તી, મનોરંજન અને જનતાને છેતરવાનું માધ્યમ બનાવી દીધું છે એવા લોકો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પ્રદેશ પ્રમુખ પસંદ કરવાની ચૂંટણી લઈને આવ્યા છે. આમાં આશ્ચર્યની બાબત એ છે કે આપણે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું જોયું નથી કે ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવા માટે ચૂંટણી થતી હોય અને એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય.
ભાજપના મૂળભૂત કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ અને ખૂબ દુ:ખી છે. કાર્યકર્તાઓને આબાદ રીતે છેતરવા માટે એમની આંખોમાં ધૂળ નાખવા માટેની આ ચૂંટણી છે એટલે ગુજરાતની જનતાએ આ બાબતે નોંધ લેવી જોઈએ અને જાણવું જોઈએ કે આ ધંધો જે ચાલી રહ્યો છે એ કેટલો ઘાતક છે અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે તમે જે ભાજપ સાથે જોડાયેલા હતા એ ભાજપ હાલમાં નથી. તમે કેશુભાઈ પટેલ કે અટલ બિહારી વાજપાઈની ભાજપ સાથે જોડાયેલા હશો, જનસંઘમાંથી બનેલી ભાજપ સાથે જોડાયેલા હશો, આજે ગુજરાતની કેબિનેટના જે મંત્રીઓ છે એમાં 70% મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા છે 30% મૂળ ભાજપના માણસો છે.
અહીંયા તો કેટલાય વર્ષોથી ધૂણી ધખાવીને બેઠેલા માણસો છે જેઓને આશા હતી કે કંઈક સારું થશે એ લોકો જોઈ રહ્યા છે કે, ગુજરાતમાં ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીની સરકાર એટલે કે ભાજકોની સરકાર છે અને ભાજકો પાર્ટીના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની અંદર બધું જ સ્ક્રીપ્ટેડ છે. હવે ભાજપના કાર્યકરો અને ગુજરાતની જનતા વિચારે અને એમનો આત્મા જાગે તો ગુજરાતમાં બદલાવ લાવવા માટે અમારી લડાઈને તમારા આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું.