વિસાવદર-કડી વિધાનસભા મત વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે આજે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરીને રાજ્યની કેટલીક ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખી છે. વિધાનસભા પેટાચૂંટણી-2025ની કામગીરીમાં સ્ટાફની વ્યસ્તતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા આ તાલુકાઓની ગ્રામ પંચાયતો માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પત્રક્રમાંક: રાચઆ-ચટણ-ગપ-29(9)-052025-ક/181080 થી 181281 તા.28-05-2025 વાળા પત્રથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 15(1) તથા ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) તથા 70 મુજબ રાજ્યની કુલ 8326 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી યોજવા તારીખો નક્કી કરવામાં આવેલ હતી.
જોકે, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના તા.29-05-2025ના પત્રથી જણાવ્યા મુજબ, વિધાનસભાની પેટા ચૂંટણી-2025ની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે. આ સંજોગોમાં, ગ્રામ પંચાયત ચૂંટણીઓનું સંચાલન શક્ય ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે તેમાં 24-કડી (અનુસૂચિત જાતિ) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 87-વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાની ગ્રામ પંચાયતો તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી, આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો નવો કાર્યક્રમ હવે પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.