BSNL, રેલવે, રેડિયો, ઉડ્ડયન, એસ.ટી.ફાયર બ્રિગેડ, પત્રકારોને આવશ્યક સેવા જાહેર કરતું ચૂંટણી પંચ
- પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટે PVC સેન્ટર બનાવાશે
લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં સૌથી વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ એક પછી એક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી 12 જેટલી સરકારી કચેરીઓ તેમજ અન્ય કચેરીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આવશ્યક સેવા તરીકે જાહેર કરી તેઓનું મતદાન પોસ્ટલ બેલેટથી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે દરેક શહેર અને તાલુકામાં પીવીસી સેન્ટર ઉભુ કરવામાં આવશે.
લોકશાહીમાં દરેક મત મહત્વનો છે. ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં પોસ્ટલ બેલેટ પેપરથી ચૂંટણી ફરજ અને ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત કર્મચારીઓ પાસે જ પોસ્ટલ બેલેટ પેપરથી જ મતદાન કરવામાં આવતું હતું જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા વિજળી વિભાગ, બીએસએનએલ, રેલવે, દુરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, ઉડ્ડયન વિભાગ, ફાયરબ્રિગેડ, મીડિયા કર્મી, ટ્રાફીક પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાને પણ આવશ્યક સેવા તરીકે જાહેર કરવામાં આવેલ છે. મતદાનના દિવસે આ તમામ વિભાગનાં કર્મચારીઓ પોતાની ફરજ પર હોવાના કારણે ઘણી વખત મતદાનથી વંચિત રહી જતાં હોય છે.
એક ડઝન જેટલા સરકારી અને બીન સરકારી વિભાગોને આવશ્યક સેવામાં ગણી આ તમામ વિભાગનાં કર્મચારીઓ લોકશાહીના મહાપર્વ નિમિત્તે પોતાનો કિંમતી મત આપી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અદા કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક શહેર અને તાલુકામાં પીવીસી સેન્ટર ઉભા કરવાના રહેશે જેમાં ઉપરોકત સરકારી અને બિન સરકારી કર્મચારીઓ પોતાનો કિંમતી મત પોસ્ટલ બેલેટ પેપરથી કરી શકશે જેની મતદાન તારીખ અને સમયની ચૂંટણી અધિકારીઓ દ્વારા અગાઉથી જાણ કરવાની રહેશે.