બગસરાના માણેકવાડા પાસે પતિના બાઈક પરથી પટકાતા વૃધ્ધાનું મોત
જૂનાગઢમાં નવા બનતા મકાને આંટો મારી દંપતી બગસરા પરત ફરતું હતું ત્યારે ઘટી ઘટના
બગસરામાં રહેતું દંપતિ જૂનાગઢમાં નવા બનતા મકાને આંટો મારી પરત ફરતું હતું ત્યારે માણેકવાડા ગામ પાસે પતિના બાઈક પરથી વૃધ્ધા નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બગસરામાં રહેતાં જયાબેન રમેશભાઈ દુધરેજીયા (ઉ.60) પોતાના પતિના બાઈક પાછળ બેસી જૂનાગઢથી બગસરા પરત આવી રહ્યાં હતાં ત્યારે માણેકવાડા ગામે જયાબેન દુધરેજીયા અકસ્માતે પતિના બાઈક પાછળથી નીચે પટકાયા હતાં. વૃધ્ધાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. જયાબેન પોતાના પતિ સાથે જૂનાગઢમાં નવા બનતા મકાને આંટો મારવા ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વખતે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બગસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.