કાલાવડ નજીક બાઈક પરથી પટકાતાં વૃદ્ધ મહિલાનું મોત
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ખરેડી ગામ પાસેથી બાઈક પર જઈ રહેલા બુઝુર્ગ દંપત્તિને અકસ્માત નડ્યો હતો, અને પાછળની સીટમાં બેઠેલી પત્નીનું અકસ્માતે નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના મુંજકા ગામમાં રહેતા દયાબેન હીરાભાઈ મોલીયા નામના 61 વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ ગઈકાલે પોતાના પતિ હીરાભાઈ માવજીભાઈના બાઇક ની પાછળની સીટમાં બેસીને પોતાના ગામથી ખરેડી ગામે જઈ રહ્યા હતા.
જે દરમિયાન તેઓને ખરેડી ગામ નજીક પહોંચતાં એકાએક ઠંડી લાગી હતી, અને મોટરસાયકલ પરથી અકસ્માત નીચે પટકાઇ પડ્યા હતા, અને ઇજાગ્રસ્ત બન્યા હતા. તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ હીરાભાઈ માવજીભાઈ મોલીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી આર ચાવડા રાજકોટની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે.
