રામનગરમાં માનસિક બીમારીથી કંટાળી પ્રૌઢે જીવન ટૂંકાવી લીધું
શહેરના ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતા પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ડિ-માર્ટ પાછળ આવેલા રામનગરમાં રહેતા રાજેશભાઇ નાથાલાલ રૂપાણી (ઉ.વ.55)નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે પંખામાં ચૂદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબીે મૃત જાહેર કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશભાઇ ચાર ભાઇ બે બહેનમાં નાના અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેમને માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યુ છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ધેરો શોક છવાઇ જવા પામ્યો છે.