વડોદરામાં પગ રિક્ષામાં ઊંઘી ગયેલા વૃદ્ધનું ઠંડીથી મૃત્યુ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા હતા તેવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે લોકો પણ તાપણા સળગાવી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. દિવસ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઠંડીના કારણે વડોદરા શહેરમાં એક વૃદ્ધનું મોત થયું હોવાનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ફતેપુરા મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા 65 વર્ષીય કાલુભાઈ રાઠોડ મૂળ શહેરા તાલુકા પંચમહાલના વતની હતા. હાલ તેઓ હાથી ખાનામાં પગ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડી રાત્રે પોતાની પગ રિક્ષા ઉપર તેઓ ઊંઘી ગયા હતા. જોકે સવારે ઉઠ્યા ન હતા.
સ્થળ પર પહોંચી 108ની ટીમે વૃદ્ધને ચકાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કુંભારવાડા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પરિવારજનોએ પીએમ માટે ના પાડતા તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી.