નવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોત
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામમાં સંબંધીના ઘરે આવેલા પોરબંદરના શરણાઇ વાદક વૃધ્ધનું પહેલા માળેથી પડી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. લગ્નની સીઝન હોવાથી વૃધ્ધ રાજકોટ શરણાઇ વગાડવા માટે આવ્યા હતા અને સંબંધીના ઘરે રોકાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ પોરબંદરમાં આવાસ કવાર્ટરમાં રહેતા બાબુભાઇ ઇબ્રાહીમભાઇ મીર (ઉ.વ.69)નામના વૃધ્ધ પાંચ દિવસથી રાજકોટમાં નવાગામાં શેરી નં.4માં રહેતા તેમના સંબંધીના ઘરે આવ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે પહેલા માળેથી લઘુશંકા કરવા માટે ઉતરતા અચાનક તેઓ પહેલા માળેથી નિચે પટકાતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા બિડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ ત્રણભાઇમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક શરણાઇ વાદક હોય હાલ માં લગ્નની સીઝન ચાલતી હોવાથી તેઓ શરણાઇ વગાડવા માટે રાજકોટ આવ્યા હતા અને નવાગામાં સંબંધીના ઘરે રોકાયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.