ધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાત
કેન્સરની બિમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લૈયારા ગામના વતની કેન્સર પિડિત એક બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા ગુલાબસંગ દેવુભા જાડેજા (63 વર્ષ), કે જે નિવૃત્ત જીવન જીવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગુમસુમ રહેતા હતા, અને કેન્સરની બીમારીમાં સપડાઈ ગયા હતા. જે દવાનો ખર્ચ પોતાના પરિવારને ઉઠાવવો ન પડે તે માટે ગુલાબસંગ જાડેજા જિંદગી થી તંગ આવી ગયા હતા, અને તેઓએ પોતાની જિંદગીનો અંત લાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
જેના અનુસંધાને ગઈકાલે તેમણે પોતાના રૂૂમમાં જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસે મૃતકના પુત્ર નું નિવેદન નોંધિ વધુ તપાસ હાથ ધરી છે.