કાલાવડ રોડ પર ચાલુ બાઈકે પટકાયેલા પ્રૌઢ ચાલકનું મોત; હાર્ટ એટેકની અસર
શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં પ્રૌઢ ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવી ઘરે પરત ફરતા હતા. ત્યારે આત્મીય કોલેજ પાસે ચાલુ બાઈક પરથી પટકાતા મોત નીપજ્યું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રૌઢને માથાની ઇજા અને હાર્ટએટેકની અસર પણ થયાનું પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હતું.
શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં કાર્તિકભાઇ ઉમેશભાઈ ચોક્સી (ઉ.વ.46) કાલાવડ રોડ આત્મીય કોલેજ નજીક પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બાઈકે ચક્કર આવતાં બાઈક સહિત પટકાયા હતા. પ્રૌઢને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર કાર્તિકભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે સોની કામ કરતાં હતાં. ગઇકાલે તબીયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં બતાવવા ગયા હતાં. ડોક્ટરે નિદાન કરી ઇન્જેક્શન લઇ લેવા સલાહ આપી હતી. પરંતુ તેઓ ત્યાંથી નીકળી ગયા હતાં. દરમિયાન કાલાવડ રોડ પર બાઈક હંકારીને પહોંચ્યા ત્યારે ચક્કર આવતાં પડી ગયા હતાં અને મૃત્યુ થયું હતું. માથાની ઇજા અને હાર્ટએટેકની અસર પણ થયાનું પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.