ઓખાની સ્ટેટ બેંકમાં ઢળી પડેલા વૃદ્ધ ખાતેદારનું મૃત્યુ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહીશ કયુમભાઈ યુનુસભાઈ સિપાઈ નામના 60 વર્ષના મુસ્લિમ વૃદ્ધ ગુરુવારે એસ.બી.આઈ. બેન્કમાં કામ સબબ ગયા હતા. ત્યાં તેઓ કોઈ અગમ્ય કારણોસર બેભાન બની ગયા હતા. જેથી તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ ઓખાના જાફરભાઈ આરીફભાઈ ગુજ્જરએ ઓખા પોલીસને કરી છે.
કેબલ વાયરની ચોરી
બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાંથી ગત તા. 4 નવેમ્બરથી 14 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો પીજીવીસીએલના જમીનમાં નાખવાના 150 સ્ક્વેર એમ.એમ. કોપર વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પ્રકરણમાં રૂૂપિયા 60,000 ની કિંમતના 40 મીટર વાયરની ચોરી થતા આ અંગે મૂળ અરવલ્લી જિલ્લાના રહીશ અને હાલ ઓખામાં પીજીવીસીએલ વિભાગમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ ધર્માજી ખરડી દ્વારા બેટ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.