જશવંતપુરમાં 11 કરોડની કિંમતની આઠ હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
લોધિકા તાલુકાના જશવંતપુર ગામમાં આશરે 8000 ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા દબાણો લોધિકા મામલતદાર અને ટીમ દ્વારા દૂર કરાવવામાં આવ્યા છે અને આશરે રૂૂપિયા 11 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
લોધિકા મામલતદારશ્રી કે.જી.ચુડાસમાની યાદીમાં જણાવાયું છે કે, જશવંતપુર ગામમાં રાજકોટ જવાના માર્ગ પર ડાબી બાજુ સરકારી ખરાબાની રેવન્યૂ સર્વે નં. 148ની આશરે 8000 ચોરસ મીટર જમીન પર અનધિકૃત દબાણ થઈ ગયા હતા. આથી નિયમ મુજબ પેશકદમીનો કેસ ચલાવીને જમીન ખુલ્લી કરાવવા હુકમ કરવામાં આવ્યો હતો. છતાં દબાણકારો દ્વારા દબાણ દૂર ન કરાતાં નોટિસ અપાઈ હતી. એ પછી આખરી નોટિસ બાદ, આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આશરે રૂૂ. 11 કરોડની જમીન દબાણમુક્ત કરવાની પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે થઈ હોવાનું યાદીમાં જણાવાયું છે.