ધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
3થી 13 ઓકટોબર લેવા જાહેરાત: જૂનથી સપ્ટેમ્બરનો અભ્યાસક્રમ પૂછાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફારની જાહેરાત કરી છે. અગાઉ સપ્ટેમ્બર 11 થી 20, 2025 દરમિયાન યોજાનારી આ પરીક્ષા હવે ઓક્ટોબર 3 થી 13, 2025 દરમિયાન યોજાશે. આ નિર્ણય શૈક્ષણિક સંઘોની રજૂઆત અને સરકારની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.
અગાઉ, ધોરણ-9 થી 12 ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર 11, 2025 થી સપ્ટેમ્બર 20, 2025 દરમિયાન યોજાવાની હતી, જેમાં જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ આવરી લેવાનો હતો. જોકે, શૈક્ષણિક સંઘો દ્વારા આ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી શૈક્ષણિક સંઘોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને, જુલાઈ 17, 2025 ના રોજ યોજાયેલી શૈક્ષણિક સમિતિની બેઠકમાં પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે સરકારની મંજૂરી મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈ 24, 2025 ના રોજ સરકાર તરફથી આ અંગે મંજૂરી મળ્યા બાદ, બોર્ડે ધોરણ-9 થી 12 ની પ્રથમ પરીક્ષા હવે ઓક્ટોબર 3, 2025 થી ઓક્ટોબર 13, 2025 દરમિયાન લેવાનો નિર્ણય કર્યો છે.
તારીખમાં ફેરફારની સાથે, પરીક્ષાના અભ્યાસક્રમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવી તારીખો મુજબ યોજાનારી આ પરીક્ષા માટે જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. આનાથી વિદ્યાર્થીઓને વધારાના એક મહિનાનો અભ્યાસક્રમ આવરી લેવા માટે સમય મળશે, જે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ અંગેની જાણ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને કરવામાં આવી છે. તેમને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ વિગતોની તાત્કાલિક જાણ કરે અને તેનો યોગ્ય અમલ કરાવે. આ નિર્ણયથી નવરાત્રી જેવા તહેવારોના સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મળશે અને તેઓ તહેવારોનો આનંદ માણી શકશે.