જૂનાગઢ-અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પર ઇડીના દરોડા
મેસર્સ એલ્ડરબ્રુક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસે સેબીની મંજૂરી વગર લોકો પાસેથી રૂા.24.38 કરોડ ઉઘરાવી લીધા, કુલ ચાર સ્થળે તપાસ
અમદાવાદ અને જૂનાગઢ સહિત ગુજરાતભરમાં મેસર્સ એલ્ડર બ્રુક પોર્ટફોલીયો મેનેજમેન્ટ સર્વિસસ પ્રા.લિ. અને તેની સાથે સંકાળેલ ફેન્ચાઇસીઓ ઉપર એન્ફોર્સમેનટ ડિરેકટોરેટ (ઇ.ડી.) દ્વારા સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમા રોકાણ સબંધી હિસાબી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ સેબીની મંજૂરી વગર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલીયો ચલાવવા બદલ સેબીના કોર્ટમા દાવા બાદ ઇડી દ્વારા ગુજરાતમાં અમદાવાદ-જૂનાગઢ સહિત ચાર સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે.
જલ્પેશ મકવાણા અને આનંદ રાવત સહિતના લોકો સંચાલિત આ ઇન્વેસ્ટમેન્ટ ફાર્મની હેડ ઓફિસ જૂનાગઢમાં મોતીબાગ વિસ્તારમાં આવેલ મેરીગોલ્ડ કોમ્લેક્સમાં આવેલી છે અને અમદાવાદ સહિતના શહેરોમાં બ્રાંચ ઓફિસો પણ ધરાવે છે.
ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેસર્સ એલ્ડરબ્રુક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના અમદાવાદ ઝોનલ ઓફિસે અમદાવાદ સહિત ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ગ્રેટર મુંબઈમાં સેબીના કેસ માટે સ્પેશિયલ કોર્ટ સમક્ષ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સેબીએ આરોપ લગાવ્યો હતો કે એલ્ડરબ્રુક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે પોર્ટફોલિયો મેનેજમેન્ટના નામે ગ્રાહકો પાસેથી ગેરકાયદેસર રીતે લગભગ રૂા.24.38 કરોડ એકત્ર કર્યા હતા, જોકે તે પોર્ટફોલિયો મેનેજર તરીકે નોંધાયેલ નથી અથવા અન્ય કોઈ માન્ય અધિકૃતતા ધરાવતો ન હતો. કંપની કથિત રીતે એકત્રિત ભંડોળ પરત કરવામાં નિષ્ફળ ગઈ હતી.
EDના પ્રાથમિક તારણો અનુસાર, એલ્ડરબ્રુકે ગ્રાહકો સાથે કરારો અને સમજૂતી કરારો કર્યા હતા અને રોકડ અને ડેરિવેટિવ્ઝ બજારોમાં તેમના રોકાણોનું સંચાલન કર્યું હતું - આ બધું SEBI નોંધણી વિના કર્યુ હતુ. આમ SEBI એક્ટ, 1992 ની કલમ 12 નું ઉલ્લંઘન થયું હતું. આ શોધખોળ દરમિયાન પેઢીના અનધિકૃત કામગીરી સાથે જોડાયેલા ઘણા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. અને હજુ પણ તપાસ ચાલુ છે.
ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં મની લોન્ડરિંગના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ED એ રાજ્યભરમાં નાણાકીય ગુનાઓ સામે લડવા માટે તેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યા છે. આ અગાઉ પોસ્ટ ઓફિસોમાં સરકારી ભંડોળના દુરુપયોગ સંબંધિત કેસોના સંદર્ભમાં ED એ ગુજરાતભરમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલી અનેક ઋઈંછ પર આધારિત હતા.