For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના ગુજરાત સહિત 10 રાજયોમાં દરોડા

06:05 PM Nov 27, 2025 IST | Bhumika
મેડિકલ કોલેજ લાંચકાંડમાં edના ગુજરાત સહિત 10 રાજયોમાં દરોડા

Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ 10 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેના કારણે મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR ) પર આધારિત છે. આ FIR માં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેટલીક મેડિકલ કોલેજો દ્વારા સરકારી અધિકારીઓને મોટી લાંચ આપવામાં આવી હતી. જેમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

આ લાંચ કોલેજોના ઇન્સ્પેક્શન સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માટે આપવામાં આવી હતી. આરોપ છે કે આ ગુપ્ત માહિતી કોલેજોના મુખ્ય સંચાલકો અને વચેટિયાઓને પહોંચાડવામાં આવતી હતી. આ માહિતીનો ઉપયોગ કરીને, આરોપીઓ ઇન્સ્પેક્શનના માપદંડોમાં છેડછાડ કરી શકતા હતા અને ત્યારબાદ તેમની મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે સરળતાથી મંજૂરી મેળવી લેતા હતા. આ કૌભાંડ દેશના શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, જેનાથી દેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ED દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં વિવિધ રાજ્યોમાં આવેલી સાત મેડિકલ કોલેજોના પરિસરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, CBIની FIRમાં જે ખાનગી વ્યક્તિઓ (વચેટિયાઓ)ના નામ છે, તેમના પરિસરો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિઓએ લાંચના વ્યવહારો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. EDની આ કાર્યવાહી મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર મોટી તવાઈનો એક ભાગ છે, જેનો હેતુ ગેરકાયદેસર નાણાંના પ્રવાહને ઉજાગર કરવાનો અને કોલેજ સંચાલકોથી લઈને સરકારી અધિકારીઓ સુધીના સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement