આર્થિક ભીંસ વધુ એક માનવ જિંદગી ભરખી ગઇ; જૂના ટાયરના ધંધાર્થીનો આપઘાત
મહામંદીને કારણે સર્જાયેલી આર્થિક ભીંસના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે. ત્યારે રાજકોટમાં વધુ એક માનવ જિંદગીને આર્થિક ભીંસ ભરખી ગઈ છે. જેમાં જુના ટાયરના ધંધાર્થીએ આર્થીકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પારેવડી ચોક પાસે આવેલા ખોડીયારપરામાં રહેતા પરેશભાઈ શામજીભાઈ સોલંકી નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે પંખામાં ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરેશભાઈ સોલંકી પાંચ ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરેશભાઈ સોલંકી જુના ટાયરની લે વેચ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પરેશભાઈ સોલંકી આર્થિકભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.