અમરેલીમાં લેટરકાંડનો પડઘો : ત્રણ પીઆઈ અને બે પીએસઆઈની બદલી
અમરેલીના બહુચર્ચિત બનાવટી લેટરકાંડમા આખરે રાજયના પોલીસવડાએ ત્રણ પીઆઇ, પીએસઆઇની જિલ્લાફેર બદલી કરી નાખી છે. ઉપરાંત જિલ્લા પોલીસવડાએ એલસીબીની પણ નવી રચના કરી જુના સ્ટાફની બદલી કરી નાખી છે.
બનાવટી લેટરકાંડમા યુવતીનુ જાહેરમા સરઘસ કાઢવાના મુદે આખરે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર કોરડો વિંઝાયો છે. અમરેલી એલસીબી પીઆઇ એ.એમ.પટેલને ભુજ ખાતે મુકી દેવાયા છે. જયારે સાયબર ક્રાઇમ પીઆઇ એ.એમ.પરમારને વડોદરા શહેર ખાતે ધકેલી દેવાયા છે. એલસીબીના મહિલા પીએસઆઇ કુસુમબેન પરમારને વડોદરા ગ્રામ્યમા મુકવામા આવ્યા છે. રાજયના ડીજીપીએ આ ત્રણેય અધિકારીઓની જિલ્લાફેર બદલી કરી છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લા પોલીસવડાએ એલસીબીના આઠ કર્મચારીઓની હેડ કવાર્ટર ખાતે બદલી કરી દેવામા આવી છે. જયારે તેના સ્થાને 10 કર્મચારીને એલસીબીમા મુકવામા આવ્યા છે. આ ઉપરાંત બે કર્મચારીને એસઓજીમા પણ મુકવામા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવટી લેટરકાંડમા યુવતીનુ સરઘસ કાઢવાનો મુદો ચગ્યા બાદ એલસીબીના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરાયા હતા અને ડીજીપીએ આ પ્રકરની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપી હતી. જેમના રીપોર્ટ બાદ પોલીસબેડામા આ ફેરફારના પગલા આવ્યા હતા.
જિલ્લા પોલીસવડાએ આજે રાજુલાના પીઆઇ વી.એમ.કોલાદરાને એલસીબીમા મુકયા હતા. ઉપરાંત ચલાલાના પીઆઇ એ.ડી.ચાવડાને રાજુલા, મહિલા યુનિટના પીઆઇ જી.આર.વસૈયાને ચલાલા, બાબરાના પીઆઇ ડી.કે.વાઘેલાને અમરેલી સીટી તથા અમરેલી તાલુકા પીઆઇ કે.બી.જાડેજાને બાબરા મુકાયા છે. ઉપરાંત ઓ.કે.જાડેજાને લીવ રીઝર્વમાથી અમરેલી તાલુકા, કે.વી.ચુડાસમાને લીવ રીઝર્વમાથી સાયબર ક્રાઇમ અને વી.એસ.પલાસને લીવ રીઝર્વમાથી ડુંગર ખાતે મુકાયા છે.