જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ
વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન
કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર અને બાલા રાડા સહિત આઠેય ઉમેદવારો બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની આવતીકાલે છેલ્લો દિવસ છે તે પૂર્વે ભાજપે જબરો રાજકીય ખેલ પાડી દીધો છે. અને ચૂંટણી પૂર્વે જ જૂનાગઢ કોર્પોરેશનની 60 બેઠકોમાં 8 બેઠકો બિન હરિફ જીતી લેતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે.
જૂનાગઢ ભાજપના ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મ્યુ-કોર્પોરેશનના વોર્ડ નં. 3ના કોંગ્રેસના ચાર ઉમેદવારો અમીનભાઈ પીરાણી, મનજબેન બ્લોચ, હસીન બેન પઠાણ, અને યોગેશ પરમારે ફોર્મ પાછા ખેંચીલેતા આ વોર્ડમાં ભાજપના સરીફાબેન કુરેશી, સહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખ મકવાણા બિનહરીફ થયા છે.
આજ રીતે વોર્ડ નં. 14ના કોંગ્રેસના ગીરીશ જેઠવાણી, પ્રવિણાબેન પાણખાણિયા, આરતીબેન જોશી અને હંસાબેન રાડાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ વોર્ડમાં પણ ભાજપના જમકુબેન અરજણભાઈ છાંયા, કલ્પેશ અજવાણી, પૂર્વ મેયર આધ્યશક્તિબેન મજમુદાર તથા બાલા ભગા રાડા બિન હરિફ થયા છે. ભાજપના જૂનાગઢના ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણી, ધારાસભ્ય સંજય કોરડિયા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આ રાજકીય ખેલ પાડ્યો હોવાનું જાણવા મળે છે.