સાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠું
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી માવઠુ થતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કહેવાઇ રહ્યું છે કે, શિયાળુ પાકને આ કમોસમી વરસાદ નુકસાન પહોચાડી શકે છે.
રાજ્યમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. બે-ત્રણ દિવસથી માવઠાની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં માવઠુ થયુ છે, અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ છે. ડાંગના ચીંચલી અને સાપુતારા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આ કમોસમી વાતાવરણને કારણે ખેડૂતોનાં શિયાળુ ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને મોટા નુકસાનની ભીતિ છે. જો વરસાદી ઝાંપટુ વધશે તો ઉભા પાકમાં જીવાત પડવાની પણ પુરેપુરી શક્યતાઓ દેખાઇ રહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળશે નહીં તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે.
હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે.