રૈયા ચોકડી BRTS સ્ટોપ સાથે ઈ-બસ અથડાઈ
- મહિલા મુસાફરને સામાન્ય ઈજા : ઈલેક્ટ્રિક બસને ભારે નુકસાન
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા બીઆરટીએસ રૂટ પર થોડા સમયથી ઈલેકટ્રીક બસ દોડાવવામા આવી રહી છે ત્યારે આજે બપોરે ઈ બસના ચાલકે બેફીકરાઈથી બસ ચલાવી ઈલેકટ્રીક બસ બીઆરટીએસના સ્ટોપમાં ઘુસાડી દેતાં મહિલા મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે ઈલેકટ્રીક બસ અને બીઆરટીએસ સ્ટોપને ભારે નુકસાન થયું છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જઈ રહેલી ઈલેકટ્રીક બસના ચાલકે પોતાના હસ્તકની ઈ.બસ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રૈયા ચોકડી પાસે ઈલે.બસ બીરઆટીએસ સ્ટોપ સાથે ધડાકાભેર અથડાવી હતી.
આ અકસ્માતમાં ઈલે.બસમાં મુસાફરી કરતી મહિલાને સામાન્ય ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે ઈલે.બસમાં અને બીઆરટીએસ સ્ટોપમાં ભારે નુકસાન થયું હતું. સદનશીબે બીઆરટીએસ રૂટ ઉપર અન્ય વાહન કે મુસાફરો નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકાઈ હતી.