મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની ઇ-હરાજી શરૂ, 30 નવેમ્બર સુધી ચાલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો, પ્રવાસ-મુલાકાતો અને વિવિધ કાર્યક્રમો દરમિયાન મળતી ભેટ-સોગાદોની ઈ-હરાજી દ્વારા વેચાણ કરવાની પરંપરાને રાજ્ય સરકારે વધુ એક વખત આગળ વધારી છે. આ વર્ષે પણ આ ભેટ-સોગાદોનું ઓનલાઈન વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ રાજ્યમાં ક્ધયા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવામાં આવશે.
આ ઓનલાઈન હરાજી 1લી નવેમ્બર, 2025 થી 30મી નવેમ્બર, 2025 સુધી ચાલશે. આ વેચાણ માટે રાજ્ય સરકારે ખાસ ઓનલાઈન પોર્ટલ https://cmgujmemento. gujarat.gov.in લોન્ચ કર્યું છે, જેના પર દેશના કોઈપણ ખૂણે વસતા લોકો ભાગ લઈ શકે છે. આ પોર્ટલને ગત વર્ષે 2જી ઓક્ટોબર, 2024 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને વર્ષ દરમિયાન મળેલી અને તોશાખાનામાં જમા થતી તમામ ભેટ-સોગાદોને આ હરાજી માટે તૈયાર કરવામાં આવી છે. પોર્ટલ પર વસ્તુઓની શ્રેણી પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક વસ્તુના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વસ્તુઓનું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપવામાં આવ્યું છે, જેથી બોલી લગાવનારા લોકો વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે.
આ ઈ-હરાજીનું સૌથી મહત્ત્વનું પાસું તેનો ઉદ્દેશ્ય છે. રાજ્ય સરકારે આ હરાજીમાંથી મળનારી તમામ રકમનો ઉપયોગ ક્ધયા કેળવણીને વેગ આપવા માટે કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પરંપરાને જાળવી રાખી છે, આ ઓનલાઈન પોર્ટલ દ્વારા ભેટ-સોગાદોના વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતા લાવવામાં આવી છે. અગાઉ, આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા અથવા જિલ્લા કલેક્ટરો દ્વારા તેમના જે-તે જિલ્લામાં કરવામાં આવતું હતું, જેની પહોંચ મર્યાદિત હતી. હવે ઈ-હરાજીના માધ્યમથી દેશના દરેક નાગરિકને આ હરાજીમાં ભાગ લેવાની સમાન તક મળે છે.
