દ્વારકાનો સુદામા સેતુ ત્રણ વર્ષથી બંધ : લાખોનું નુકસાન
સમારકામના બહાને બંધ કરેલ સેતુ નાતાલ પહેલા શરૂ કરવાની પ્રવાસીઓ અને અગ્રણીઓની માંગ
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ સુદામા સેતુ વર્ષ 2011 માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનાવાયા બાદ વર્ષ 2016 માં લોકાર્પણની સાથે જ ગોમતી ઘાટ અને સામે આવેલા પંચનદ તીર્થ તથા બીચ પર જવા માટેના મુખ્ય સ્ત્રોત સાથે સાથે દ્વારકાની આગવી ઓળખ પણ બની ગયો હતો. દ્વારકા આવતા દરેક યાત્રિક સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા થયા હતા અને ગોમતી નદી, જગતમંદિર, સનસેટ અને બીચ લોકેશનના સંગમ સમા જગતમંદિરની નજીક બનેલા આ સુદામા સેતુ જગતમંદિર બાદ પર્યટકોની પ્રથમ પસંદ બની રહ્યું હતું.
પરંતુ ઓકટોબર 2022 માં થયેલ મોરબી પૂલ દુર્ઘટના બાદ સમારકામના નામે બંધ થયેલા આ સુદામા સેતુની મરમ્મતની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. જેના કારણે દરરોજ હજારો રૂૂપિયાનું હુંડીયામણ રળી આપતું આ રમણીય પ્રવાસન સ્થળ યાત્રીકો માટે બંધ રહેતાં છેલ્લાં ત્રણ વર્ષમાં લાખો રૂૂપિયાની નુકસાનીની સાથોસાથ દ્વારકાના મુખ્ય આકર્ષણ સમા સુદામા સેતુની મુલાકાતથી ભાવિકો તથા સહેલાણીઓ વંચિત રહે છે. થોડા સમય પૂર્વે સુદામા સેતુના નવનિર્માણની વાતો બહાર આવી હતી. આમ છતાં હજુ સુધી સમારકામ કે નવનિર્માણની કામગીરી ન થતાં તંત્ર દ્વારા સલામતીના કારણોસર યાત્રીકો માટે ખૂલ્લો મૂકી શકાય તેવી સ્થિતિમાં જણાતો નથી.
યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં દિપાવલી પર્વથી દેવ દિવાળી સુધીના પખવાડિયાના વેકેશનના સમયગાળામાં લાખો યાત્રિકોએ જગતમંદિરની મુલાકાત લઈ, દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારે સ્વાભાવિક રીતે જો સુદામા સેતુ યાત્રીકો માટે ખૂલ્લો રાખી શકાયો હોત તો લાખો યાત્રિકોએ આ બેનમૂન ફુટબ્રીજની મુલાકાત લીધી જ હોત. અહીં યાત્રિક દીઠ રૂૂપિયા 10 ના ચાર્જ સાથે પ્રવેશ અપાતો હતો. આ બ્રીજ બંધ રહેવાથી સુદામા સેતુ સોસાયટીને લાખો રૂૂપિયાની નુકસાની ગયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
હવે આગામી ડિસેમ્બર માસમાં પણ યાત્રાળુઓની ભરચક્ક સીઝન શરૂૂ થઈ રહી હોય, લાખો પ્રવાસીઓ નાતાલના આ વેકેશન તેમજ સમગ્ર ડિસેમ્બર માસમાં યાત્રાધામની મુલાકાતે આવનાર હોય ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી અગ્રણીઓએ પણ એકથી વધુ વખત સુદામા સેતુ પુન: શરૂૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, ત્યારે વહીવટી તંત્ર સુદામા સેતુને પુન: શરૂૂ કરી શકાય તે દિશામાં કાર્યવાહી કયારે કરે છે, તે જોવાનું રહેશે.
