રાજકોટમાં હિટ એન્ડ રનમાં દ્વારકાના યુવકનું મોત: ચાલક સામે ફરિયાદ
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી પાસે અજાણ્યા વાહનની ઠોકરે યુવકનું મોત નિપજયું હતું. આ બનાવમાં તપાસ કરતા યુવક દ્વારકાનો વતની હોવાનું ખુલતા તેમના પિતરાઇ ભાઇની ફરીયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. વધુ વિગતો અનુસાર ગઇ તા.17/1ના રોજ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી પાસે અજાણ્યા વાહનની ઠોકરે કોઇ અજાણ્યા યુવકનું મોત નિપજયું હતું. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી. તેવામાં મૃતક દ્વારકાના કલ્યાણપુરના વિરપુર (લુસારી)નો હોવાનું જાણવા મળ્યું હતું.
તેમજ તેમના પરિવારનો સંપકર કરતા તેમના પિતરાઇ ભાઇ હેમંતભાઇ હમીરભાઇ જોગલ (આહીર) (ઉ.વ.34) રાજકોટ સિવિલ હોસ્પીટલે દોડી આવ્યા હતા અને ત્યાં કોલ્ડસ્ટોરેજમાં રખાયેલો મૃતકનાં મૃતદેહને જોતા તે તેમનો પિતરાઇ લાખાભાઇ દેસુરભાઇ જોગલ હોવાનું જાણવા મળ્યું હતું. તે રાજકોટ બાજુ રખડતુ ભટકતુ જીવન જીવતો હતો અને બે ભાઇમાં મોટો હતો. તેનો નાનો ભાઇ માતા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો હતો. આ મામલે આઇ.એ. ભાટી તપાસ ચલાવી રહ્યા છે.