For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા બીજી વખત ડૂબ્યું, લીલા દુષ્કાળનો ખતરો

12:12 PM Jul 23, 2024 IST | admin
દ્વારકા બીજી વખત ડૂબ્યું  લીલા દુષ્કાળનો ખતરો

એનડીઆરએફ અને તંત્ર દ્વારા ઠેર-ઠેર રેસ્ક્યૂ ઓપરેશન, અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન

Advertisement

સતત વરસાદના કારણે જનજીવનને અસર, આજે પણ રેડ એલર્ટ

ચાર દિવસમાં જ 29 ઈંચ વરસાદ ખાબક્યો, સિઝનનો કુલ વરસાદ 42 ઈંચ

Advertisement

અરબી સમુદ્રમાં રચાયેલી અલગ અલગ સિસ્ટમના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને ઘમરોળ્યું છે. ત્યારે સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘતાંડવ જોવા મળ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં 11 ઈંચ અને દ્વારકામાં સોમવારે 7 સહિત આજે સવાર સુધીમાં કુલ 8 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે પણ વધુ વરસાદની સંભાવના સાથે સમગ્ર હાલાર પંથકમાં રેડ એલર્ટ અપાયું છે.

જિલ્લાના અમૂક ભાગોમાં સતત વરસતા વરસાદ તેમાં પણ સાંબેલાધાર મેઘમહેરથી ઠેરઠેર લોકો ફસાયાના સમાચારો મળતાં થયા હતા. કલ્યાણપુર તાલુકાના પાનેલીમાં ખેતરમાં ફસાયેલાં ત્રણ લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ પણ પહોંચી શકે તેમ ન હોય એરફોર્સની મદદથી ત્રણેય વ્યકિતઓના રેસ્કયુ કરાયા હતા. જ્યારે ટંકારીયા અને કેશવપુર ગામે ફસાયેલા ચાર-ચાર વ્યકિતઓને એનડીઆરએફની ટીમે બચાવી લીધા છે. અસંખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં શુક્રવારે 15 ઈંચ, શનિવારે 7 ઈંચ, ગઈકાલે હાજરી પુરાવ્યા બાદ આજે મંગળવારે સવાર સુધીમાં વધુ 8 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ચાર દિવસમાં જ વધુ 29 ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 42 ઈંચ જેટલો થયો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અવિરત વરસાદથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

દ્વારકા નગરપાલીકા દ્વારા ચાર દિવસથી પાણી નિકાલની કામગીરી સતત ચાલી રહી છે. આમ છતાં વરસાદી પાણીના પ્રવાહના લીધે ફરી પાણી ભરાઈ રહ્યા છે. પૌરાણિક કકલાશ કુંડ સહિતના કુંડો સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલવે સ્ટેશન, આવળપરા, જલારામ નગર, નરસંગ ટેકરી, ભદ્રકાલી ચોક વિગેરે સ્થળોએ પાણી ભરાતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. જેના કારણે જગતમંદિરે આવતાં ભાવિકોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. તો ભદ્રકાલી ચોકમાં એક પરિવારના બાળકોને પાણીમાં ડૂબતા નગરપાલીકાના જવાનોએ બચાવ્યા હતા.

ગઈકાલે સોમવારનો કામકાજનો દિવસ હોવા છતાં દ્વારકાની ચાર બેન્કોમાં વરસાદી પાણીના ભરાવાને લીધે બેન્કનો વ્યવ્હાર ઠપ્પ થઈ ગયો હતો. શહેરની બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ સહિતની બેન્કોમાં વરસાદી પાણીના ભરાવાને લીધે વ્યવહારો બંધ રહયા હતા. પોસ્ટ ઓફીસમાં પણ વરસાદને કારણે કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા, રાવલ સહિતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદથી વ્યાપક નુકસાની સાથે પૂર જેવી સ્થિતિ જોવા મળી છે તો ભોગાત નંદાણામાં પણ વ્યાપક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓખા મંડળના મીઠાપુર સુરજકરાડીમાં પણ ધોધમાર વરસાદને લીધે નીચાણવાળા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement