દ્વારકા જિલ્લા પંચાયતનું રૂા.640.15 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર
સંભવિત 397 કરોડની આવક સામે રૂા.351 કરોડનો ખર્ચ અંદાજાયો; સિંચાઇ માટે 7.19 કરોડ અને ખેતીવાડી, પશુપાલન માટે 3.47 કરોડની જોગવાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામન્ય સભા ગઈકાલે શુક્રવારે જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મીટીંગમાં વર્ષ 2025-26 નું રૂૂ. 640 કરોડ 15 લાખનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂૂ. 47.80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેમ્પ ડ્યુટીના કામો માટે 101.18 કરોડ, બાંધકામ બિલ્ડિંગ જાળવણી માટે 92.60 કરોડ, અનુસુચિત જાતિના વિસ્તારના વિકાસ માટે 17 લાખની જોગવાઈ કરાઈ છે.
આ ઉપરાંત સિંચાઈ, આરોગ્ય, ખેતીવાડી અને પશુપાલન ખાતાની તમામ યોજનાઓને પણ આ બજેટમાં ખાસ ફાળવણી કરવામાં આવી છે. 15 માં નાણાપંચમાં વર્ષ 2025-26 માં રૂૂ. 3.47 કરોડના કુલ 51 કામો મંજુર કરવામાં આવ્યા છે.
આ જ રીતે સિંચાઈ ખાતાના 8 કામો માટે રૂૂ. 7.19 કરોડના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે. આગામી વર્ષની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી 1.18 કરોડના કામોને મજુરી આપવામાં આવી છે. ગ્રામીણ રોજગાર બાહેંધરી લેબર બજેટ પણ 240 ગ્રામ પંચાયતોને અંદાજીત 2993 કામો માટે કુલ 17.68 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય અને શિક્ષણ ક્ષેત્રે સારું શિક્ષણ મળી રહે તેમજ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સુચારુ આયોજન કરાયું છે. આરોગ્ય ક્ષેત્રે પણ છેવાડાના ગામ સુધી આરોગ્યની સેવાઓનો લાભ મળતો રહે તે માટે પી.એચ.સી., સી.એચ.સી. અને પેટા આરોગ્ય કેન્દ્ર જરૂૂર પડે ત્યાં નવી એમ્બ્યુલન્સના કામો કરાવીને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સમાજ કલ્યાણ મારફત અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના આર્થિક અને નબળા વર્ગના વિસ્તારોમાં સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે પણ ખાસ આયોજન કરાયું છે.
મહિલા અને બાળકોના ઉત્કર્ષ માટે સરકારમાંથી વધુમાં વધુ નાણાં મંજુર કરાવી, તેનું ખાસ ફાળવણી કરવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રે પણ ખાસ કરીને નોન-પ્લાન રસ્તાઓ મંજુર કરાવીને કરોડો રૂૂપિયાના કામો કરાવવા માટે આયોજન કરાયું છે. સિંચાઈ ક્ષેત્રે નવા ચેકડેમ તેમજ તળાવો ઉંડા ઉતારવા માટે તથા તેની મરામત અને જાળવણીના કામોમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલના ઈલેક્ટ્રોનિક યુગમાં જ્યાં જ્યાં જરૂૂર પડે ત્યાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પણ સ્વખર્ચે વસાવીને કામગીરી થાય તેવું આગોતરું આયોજન કરાયું છે. જેથી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણની કામગીરી થઇ શકે તે માટે ગ્રામ વિકાસ વિભાગની મહત્વની એવી 15 માં નાણાપાંચ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટેનું આયોજન પણ આ બજેટમાં થયું છે.
આ બજેટમાં વર્ષ 2025- 26 ની અંદાજીત ઉઘડતી સિલક રૂૂ. 242 કરોડ 26 લાખ અને વર્ષ દરમિયાન મળનાર કુલ સંભવિત આવક 397 કરોડ 89 લાખ એમ કુલ મળીને રૂૂ. 640 કરોડ 15 લાખની સામે રૂૂ. 351 કરોડ 1 લાખનો અંદાજિત ખર્ચ થશે. આમ, વર્ષના અંતે રૂૂ. 289 કરોડ 14 લાખનું પુરાંતવાળું બજેટ સામાન્ય સભા સમક્ષ મુકવામાં આવ્યું હતું. આ બજેટ સહીત તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરી શુક્રવારની સભામાં બજેટને મંજુરી સાંપડી છે.આ ઉપરાંત આ સભામાં ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી છે. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની મળેલી મીટીંગની કાર્યવાહી નોંધને પણ બહાલી આપવામાં અપાઈ છે.
પ્રમુખ સ્થાનેથી પણ કુલ 4 મુદાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પંચાયત પરિષદની સભ્ય રૂૂપિયા 10 હજાર ફ્રી ભરવા અંગેના ઠરાવને પસાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આગામી સમયમાં સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચુંટણી (વન નેશન વન ઈલેક્શન) અંગેનો ઠરાવ પસાર થનાર છે. જેને જિલ્લા પંચાયત દ્વારા સમર્થન આપવા અંગે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.ભાણવડ તાલુકાના ધારાનગર અને માનપર ગામના રેવન્યુ વિસ્તાર અલગ કરવા બાબત, સ્ટેમ્પ ડયુટીની વર્ષ 2023-24 ની ગ્રાન્ટ વિકાસના કામોને પ્રાથમિક મંજુરી આપવા બાબતે થયેલા ઠરાવ પણ મંજુર કરવામાં આવ્યા હતા. આ મીટીંગ પ્રમુખ શ્રીમતી રિધ્ધીબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં સચિવ તરીકે એ.બી. પાંડોર પણ જોડાયા હતા. જેમાં બજેટ મીટીંગનું સંકલન હિસાબી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.