વેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોત
કોડીનાર હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોના ટોળાં ઉપર ડમ્પર ફરી વળ્યું
વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજ પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ગઈકાલે રાત્રે લગભગ 9:30 વાગ્યે એક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત જોવા એકઠા થયેલા લોકો ઉપર ડમ્પર ફરી વળતા બે લોકોના કરૂણ મોત નિપજયા હતા જયારે અન્ય સાતને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ રાખેજ ગામના પાટીયા પાસે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્યાં લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. આ દરમિયાન વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા કનૈયા એન્ટરપ્રાઈઝના ડમ્પર (નંબર GJ11Z9555)એ ઓવરસ્પીડમાં રોડની સાઈડમાં ઊભેલા વાહનો અને લોકોને હડફેટે લેતા 9થી વધુ લોકો કચડાયા હતા. આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સાતથી વધુ ઘાયલોને કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એન.બી. ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અંબુજા કંપનીના ટ્રકો સામે રોષ ફાટી નીકળ્યો છે અને લોકોએ કંપનીના ટ્રકોનું પરિવહન અટકાવ્યું છે.
બીજી તરફ ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, અંબુજા કંપનીના મટીરીયલ ભરી પરિવહન કરતાં ડમ્પરો પૂરપાટ ઝડપે પસાર થતા હોય હોવાથી છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આ ઘટનાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કોડીનાર સ્થિત અંબુજા કંપનીના ભારે વાહનોના પરિવહનને અટકાવી દેવામાં આવ્યું હતું.