For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળી, છઠ્ઠ અને બિહાર ચૂંટણીના કારણે સુરત રેલવે સ્ટેશને કીડિયારુ ઉભરાયું, યાત્રિકો પરેશાન

03:31 PM Oct 20, 2025 IST | Bhumika
દિવાળી  છઠ્ઠ અને બિહાર ચૂંટણીના કારણે સુરત રેલવે સ્ટેશને કીડિયારુ ઉભરાયું  યાત્રિકો પરેશાન

દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અસામાન્ય ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઉભા છે, જેના કારણે સ્ટેશન પર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
આ ભીડને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે તંત્રને વધુ ભીડ થવાની જાણ હોવા છતાં, ગત રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં માત્ર બે જ ટ્રેન ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડી હતી. ભૂખ્યા-તરસ્યા લાંબી કતારોમાં ઉભા રહેલા પ્રવાસીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ ટ્રેનો ફાળવવા માટે અપીલ કરી રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ તો બે થી ત્રણ વાર ટિકિટ રદ કરાવ્યા બાદ પણ છેલ્લા 12 થી 15 કલાકથી લાઈનમાં ઊભા છે.

Advertisement

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, મુસાફરોની વધારાની સંખ્યાને જોતા પશ્ચિમ રેલવે સંપૂર્ણપણે તૈયાર છે. યુપી અને બિહાર જવા માટે કુલ 21 ટ્રેનો ઉપલબ્ધ છે, જેમાં નિયમિત, સ્પેશિયલ અને અનરિઝર્વ્ડ ટ્રેનોનો સમાવેશ થાય છે. તેમણે સુરક્ષા વ્યવસ્થા અને હોલ્ડિંગ એરિયામાં પીવાના પાણી તથા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ પ્રવાસીઓ જણાવે છે કે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી અને કલાકો સુધી રાહ જોયા છતાં ટ્રેનોમાં જગ્યા મળતી નથી. મુસાફરો માટે બનાવેલા પેસેન્જર હોલ્ડિંગ એરિયા પણ હાઉસફુલ થઈ જતાં ઘણા લોકો ખુલ્લામાં રસ્તા પર ટ્રેનની પ્રતીક્ષા કરી રહ્યા છે.

રવિવારે રાત્રિના સમયે ઉધના રેલવે સ્ટેશનની બહાર 15,000 થી વધુ લોકો, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા, તેમણે આખી રાત રોડ પર વિતાવી હતી. આ અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. રેલવે અને આરપીએફ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું હોવાના દાવા સાથે સુરક્ષા વ્યવસ્થામાં 71 આરપીએફ જવાન, 53 જીઆરપીના જવાન અને 32 શહેર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, તેમજ ડ્રોન દ્વારા પણ ભીડ પર દેખરેખ રાખવામાં આવી હતી. 11 થી 18 ઓક્ટોબર સુધીમાં સુરતથી અંદાજિત 1.15 લાખથી વધુ યાત્રીઓ બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડ રવાના થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement