મંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડી
ઓનલાઇન પોર્ટલમાં ખેડૂતોના ખાતા નંબર નહીં બતાવાતા પેમેન્ટ કરવામાં મુશ્કેલી: રગડ-ધગડ ચાલતી ખરીદી
રાજય સરકાર દ્વારા દિવાળી બાદ રાજયભરમાં મગફળી, સોયાબીન, મગ અને અડધના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ ચાર દિવસમાં મોટાભાગના કેન્દ્રો પર ખેડૂતો આવી રહ્યા નથી અને ઘણા કેન્દ્રો પર હજી ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરવામાં આવી નથી. ઓનલાઇન પોર્ટલમાં પણ અનેક સમસ્યા થતી હોવાની ફરીયાદ ઉઠી રહી છે.
તા.12 નવેમ્બરથી રાજયભરમાં 160 કેન્દ્રો પર સરકાર દ્વારા મગફળી, મગ, અડધ અને સોયાબીનની ખરીદી કરવાનો પ્રારંભ કરાયો હતો. રાજકોટ તાલુકામાં ચાર મંડળીઓને કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે જેના પરથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી જણસીની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ હાલ રગડ-ધગડ ખરીદી ચાલી રહી છે. મોટાભાગના ખેડુતો વેચવા આવતા નહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ટેકાના ભાવે ખરીદી માટે ખેડુતો દ્વારા સરકારના ઓનલાઇન પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી હતી. તેમાં ખેડુતનું પુરૂ નામ, સરનામુ, બેન્કના એકાઉન્ટ નંબર સહીતની માહિતી નાખવાની હોય છે. જેથી ટેકાના ભાવે ખરીદી બાદ સીધા ખેડુતના નામના જ બિલ નીકળી શકે પરંતુ પોર્ટલમાં સમસ્યા હોવાથી મોટાભાગના ખેડૂતોના બેંક એકાઉન્ટ બતાવતા નહીં હોવાથી બિલ બનાવવામાં પણ સમસ્યા થઇ રહી છે. બેંક ખાતાઓ અપડેત નહીં થતા ખેડુતો પાસેથી જણસી ખરીદી પણ એક સમસ્યા બની છે.
વધુમાં વેપારી અને મંડળીના સંચાલકોએ જણાવ્યુ હતુ કે ટેકાના ભાવે ખીદી શરૂ થાય તે અગાઉ ઘણા ખેડૂતોએ ખુલ્લા બજારમાં પોતાની જણસી વેચી નાખી છે અને હાલ ખેતરમાંથી જણસી કાઢવાની બાકી હોય અથવા કાઢી લેવી હોય તો તેને સાફ કરવાની બાકી છે. જેથી ખેડુતો લઇ આવતા નથી. ફોન કરવા છતા પણ હાલ ખેડુતો આવી રહ્યા નથી. આ પ્રકારની સમસ્યા હજુ પણ 10 દિવસ સુધી રહેશે અને ત્યારબાદ રેગ્યુલર થઇ જશે.
રાજકોટ જિલ્લામાં 4300 ખેડુતોએ ટેકાના ભાવે જણસી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં ત્રણ તાલુકાને મંડળી ફાળવવામાં આવી છે. જેમાં પડધરી તાલુકા માટે બે, લોધીકા તાલુકા માટે બે અને રાજકોટ તાલુકા માટે એક મંડળીને કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. હાલ તમામ મંડળી દ્વારા ખેડૂતોને ફોન કરી અને જણસી વેંચવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી ગણ્યાગાંઠયા ખેડુતો જ જણસી વેંચવા આવી રહ્યા છે.
અન્ય સેન્ટરોની વાત કરવામાં આવે તો સુત્રોના જણાવ્યા મુજબ રાજયમાં 160 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 30 ટકા કેન્દ્રો ઉપર જ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે. જયારે 70 ટકા કેન્દ્રો પર હજુ ખરીદી શરૂ નથી થઇ. મોટાભાગના કેન્દ્રો પર મંડળી હજી ફાળવવામાં આવી નથી. મંડળી નક્કી નહીં થતા પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ શકી નથી.