સિવિલ હોસ્પિટલમાં પીધેલા દર્દીની ધમાલ
સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દી અને તેના પરિવારજનો દ્વારા સિક્યુરીટી અને તબીબો સાથે માથાકૂટ થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સિવિલમાં પીધેલા દર્દીએ ધમાલ મચાવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં આવેલા શખ્સને સિક્યુરીટીએ પાર્કિગમાં બાઇક રાખવાનું કહેતા તેણે સિક્યુરીટી ગાર્ડને ગાળો ભાંડી મારમાર્યો હતો. આ બનાવથી સિવિલમાં લોકોના ટોળા એકઠા થયા હતા. એક્સ આર્મી મેન હાજર હોવા છતા છોડવવા આવવાને બદલે તમાશો જોતા રહ્યા હતા. દરમિયાન ઇજાગ્રસ્ત દર્દી સારવાર લઇ વંડી ઠેકી નાશી છૂટ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ પારેવડી ચોક પાસે ખોડીયાર પરામાં રહેતો રોહિત ઠાકોર નામનો શખ્સ બાઇક સ્લિપ થઇ જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેના મિત્ર સાગર સાથે બાઇક લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. દરમિયાન ઇમરજન્સી વિભાગની સામે પાર્કિગ પાસે ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ હાસમભાઇ અબદુલભાઇ માલાણી (ઉ.વ.50 રહે. હસનવાડી 4) એ રોહિત ઠાકોરને બાઇક પાર્કિગમાં રાખવાનું કહેતા તેણે સિક્યુરીટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી અને ઉશ્કેરાય જઇ ગાળો ભાંડી સિક્યુરીટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત રોહિત પીધેલી હાલતમાં હોવાનુ જાણવા મળ્યું છે.
પીધેલા દર્દીએ સિક્યુરીટી ગાર્ડ સાથે ધમાલ મચાવતા હોસ્પિટલમાં આવેલા અન્ય લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવ વખતે એક્સ આર્મીમેન હાજર હોવા છતા સિક્યુરીટી ગાર્ડને છોડવવા આવ્યા ન હતા અને તમાશો જોતા રહ્યા હતા. જેથી રોહિત ઠાકોર ઇમરજન્સીમાં સારવાર લઇ વંડી ઠીકે નાશી છૂટ્યો હતો બાદમાં સિવિલના સ્ટાફ દ્વારા તેને પકડવા પાછળ ગયા હતા. પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પીસીઆર વાન હોસ્પિટલે દોડી ગય હતી અને પીધેલી હાલતમાં ધમાલ મચાવતા રોહિત ઠાકોરનો મિત્ર સાગર ત્યા ઉભો હોય તેને પ્રનગર પાોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સિક્યુરીટી ગાર્ડ દ્વારા પીધેલા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.