દારૂના નશામાં પત્નીને માર મારી કાઢી મૂકી, પસ્તાવો થતા પતિનો આપઘાત
પડધરીનાં જીલરીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાને દારૂનાં નશામા પત્નીને માર મારી કાઢી મુકી હતી બાદમા નશેડી પતિને પસ્તાવો થતા ઝેરી દવા આપઘાત કરી લીધો હતો . યુવકનાં મોતથી ચાર બાળકોએ પિતાનુ છત્ર ગુમાવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પડધરીનાં જીલરીયા ગામે રહેતા ગજેન્દ્રસિંહ જાડેજાની વાડીએ ખેત મજુરી અર્થે આવેલા બબલુ રાઘલીયાભાઇ ડાવર નામનો 33 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા વાડીએ હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા તેની સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક બબલુ ડાવર મુળ મધ્યપ્રદેશનો વતની અને ત્રણ ભાઇ ત્રણ બહેનમા વચેટ હતો. અને તેને સંતાનમા બે પુત્ર અને બે પુત્રી છે. બબલુ ડાવરે દારુનાં નશામા પત્ની બીજલીબેનને માર મારી કાઢી મુકી હતી. જે અંગે પસ્તાવો થતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.