પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત
તથ્યકાંડ બાદ ઓવરસ્પીડ- ડ્રન્ક એન્ડ ડ્રાઇવના અનેક ગુના નોંધાયા છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા
અમદાવાદની ગંભીર ઘટનામાં સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડ
અમદાવાદ શહેરમાં પીધેલા કારચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. અમદાવાદ શેહરમાં અગાઉ તથ્યકાંડ જેવી ગંભીર ઘટના બન્યા બાદ રાજયના તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા ઓવરસ્પીડ અને ડ્રન્ક એન્ડ ડ્રાઇવના અનેક કેસ કર્યા છતા પણ લોકો સુધરવાનું નામ જ ન લેતા હોય તેમ છેલ્લા ઘણા સમયથી નશાખોરો દ્વારા અકસ્માતની ઘટના સામે આવી રહી છે.
શહેરના નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે. કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયાં ખાતો હતો. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એક્ટિવ ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી હતી જેણે એક્ટિવા ચાલકોને ટક્કર મારી હતી. ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો. અમદાવાદ ગ્રામ્ય ડીએસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે કારચાલક દારૂૂના નશામાં હતો. કારચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો.
નરોડા તરફ જતા કારચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડર પર ચઢીને સામેના રોડ તરફ જતી રહી હતી અને સામેના રોડ પર એક્ટિવા પર આવેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. બનાવની જાણ થતા કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.