ખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયો
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં સોમવારે રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં શેરી નંબર 3 ખાતે રહેતો સૌરભ શક્તિ સુમણીયા નામનો 21 વર્ષનો યુવાન સોમવારે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના સમય તેની કાળા કલરની જી.જે. 03 કે.સી. 9882 નંબરની ફોર્ડ કંપનીની હેન્ડઓવર મોટરકાર લઈને નીકળતા આ સ્થળે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે તેને અટકાવ્યો હતો.
સર્પાકારે શંકાસ્પદ હાલતમાં કાર ચલાવતા ઉપરોક્ત શખ્સએ નજીકના શેરી નં. 8 પાસેના એક ઝાડ સાથે આ મોટરકાર ધડાકાભેર અથડાવી દીધી હતી.
ત્યાર બાદ પોલીસ તપાસમાં ઉપરોક્ત શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું તેમજ તેની પાસે અહીં ડ્રાયવિંગ લાયસન્સ પણ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઈ ચંદ્રાવાડીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રૂૂપિયા 10 લાખની કિંમતની ફોર્ડ મોટરકાર કબજે લઈ અને પીધેલી હાલતમાં લાયસન્સ વગર નીકળેલા આરોપી સૌરભ શક્તિભાઈ સુમણીયા સામે પ્રોહીબિશન એક્ટ તેમજ એમ.વી. એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધ્યો છે.આ પ્રકરણે આ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી હતી.