સુરત એરપોર્ટ પરથી 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગોલ્ડ અને ડાયમંડના સ્મગલિંગ બાદ હવે સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનું રેકેટ
બેંગકોકથી પરત આવેલો પેડલર એરપોર્ટ બહાર નીકળે તે પહેલા એજન્સીઓની ઝપટે ચડ્યો
સુરત એરપોર્ટ પર હવે ગોલ્ડ અને ડાયમંડની સ્મગલિંગ બાદ ડ્રગ્સની હેરાફેરીનો નવો ટ્રેન્ડ શરૂૂ થયો છે, જેણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી છે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી 14 કરોડના મૂલ્યના હાઈડ્રોપોનિક ડ્રગ્સ (ગાંજા) સાથે રાજસ્થાનના એક યુવકને ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ રેકેટનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે.
DRIને મળેલી બાતમી મુજબ, બેંગકોકથી સુરત આવી રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જર શંકાસ્પદ બેગ લઈને આવી રહ્યો હતો. સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ, આરોપી એઝાઝ પોતાની ટ્રોલી સાથે ઝડપથી એરપોર્ટની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કસ્ટમ્સ અને DRIના અધિકારીઓએ તેને અટકાવીને તેની બેગની તપાસ કરી. બેગ ખોલતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા, કારણ કે તેમાંથી 14 કિલોગ્રામ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 14 કરોડ આંકવામાં આવી છે.
આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું કે તે આ કામ પહેલીવાર કરી રહ્યો હતો અને તેને એરપોર્ટ પરથી બહાર નીકળીને મેઈન રોડ પર ઊભેલી એક કાળી કારમાં બેસી જવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ કાળી કાર કોની હતી અને તે ક્યાં જવાની હતી, તે વિશે તેને કંઈ ખબર નહોતી. આ ખુલાસાએ ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરેન્ડી પર પ્રકાશ પાડ્યો છે, જેમાં પડિલિવરી બોયથને પણ આખી ચેઈન વિશે જાણકારી આપવામાં આવતી નથી. DRIની ટીમ હાલ આ પકાળી કારથ અને તેના માલિક સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. મુંબઈ, પૂણે, અમદાવાદ અને જયપુર જેવા મોટા શહેરોની હાઈ-એન્ડ નાઈટ ક્લબ્સમાં આ ડ્રગ્સનો ઉપયોગ માલેતુજાર પરિવારોના યુવાનોમાં વધી રહ્યો છે. બેંગકોકની નાઈટ લાઇફમાં પણ તેની ભારે માંગ છે, જે સૂચવે છે કે આ સ્મગલિંગ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે. આ ઘટનાએ યુવાધનને બચાવવા માટે સુરક્ષા એજન્સીઓ સમક્ષ એક નવો પડકાર ઊભો કર્યો છે.